<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

ICC ની મોટું એક્શન :શાહીન આફ્રિદી સહિત ત્રણ ખેલાડીઓ સામે કરી કાર્યવાહી: મોટો દંડ ફટકાર્યો

ICC આચાર સંહિતાના લેવલ 1નું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ ખેલાડીઓને દંડ ફટકારવામાં આવ્યો

ICCએ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. ત્રિકોણીય શ્રેણી અંતર્ગત પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 12 ફેબ્રુઆરીએ મેચ રમાઈ હતી. આ મેચમાં ICC આચાર સંહિતાના લેવલ 1નું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ ખેલાડીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. આ ત્રણ ખેલાડીઓમાં શાહીન આફ્રિદી, સઉદ શકીલ અને કામરાન ગુલામનો સમાવેશ થાય છે.

ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી પર સંહિતાની કલમ 2.12નું ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય કામરાન ગુલામ અને સઉદ શકીલને સંહિતાની કલમ 2.5નું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. બંનેની 10 ટકા મેચ ફી કાપવામાં આવી છે.

પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રિ-રાષ્ટ્રીય શ્રેણીની ત્રીજી મેચની 28મી ઓવર દરમિયાન શાહીન આફ્રિદી અને મેથ્યુ બ્રીત્ઝકે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આફ્રિદી પોતાનો મગજ ગુમાવી બેઠો હતો અને મેથ્યુ સાથે ઉગ્ર ચર્ચા કરવા પહોંચી ગયો હતો. આ પછી બીજા બોલ પર મેથ્યુ બ્રિત્ઝકે સિંગલ લઈ રહ્યો હતો, ત્યારે આફ્રિદીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચે શારીરિક સંપર્ક થયો હતો અને ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ પછી ટેમ્બા બાવુમા 29મી ઓવરમાં રનઆઉટ થયો હતો. આ દરમિયાન કામરાન ગુલામ અને સઉદ શકીલ ઉજવણી કરવા બાવુમાની પાસે પહોંચી ગયા હતા. બંને ખેલાડીઓએ નજીકથી બાવુમાને સ્લેજ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બાવુમાએ ખેલદિલી દર્શાવી અને શાંતિથી પેવેલિયન પરત ફર્યો હતો.

આફ્રિદી, ગુલામ અને શકીલના ખાતામાં 1-1 ડિમેરિકટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યા છે. છેલ્લા 24 મહિનામાં આ ખેલાડીઓએ મેદાન પર આ પહેલો ગુનો કર્યો છે. તમામ ખેલાડીઓએ લાદવામાં આવેલા પ્રતિબંધોને સ્વીકારી લીધા છે. આ મામલે હવે કોઈ ઔપચારિક સુનાવણી થશે નહીં.

દક્ષિણ આફ્રિકાને હરાવીને પાકિસ્તાને ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 14 ફેબ્રુઆરીએ ફાઇનલમાં પાકિસ્તાનનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. 12 ફેબ્રુઆરીએ રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 352 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મોહમ્મદ રિઝવાનની 122 રનની અણનમ ઇનિંગ અને સલમાન આગાની 134 રનની ઇનિંગના આધારે પાકિસ્તાને માત્ર 49 ઓવરમાં 6 વિકેટે મેચ જીતી લીધી હતી.

(9:17 PM IST)