<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

રોહિત આર્મીના બહાદુરો બેટ અને બોલથી સુપરહિટ થયા : નાગપુર વનડેમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવ્યું

હર્ષિત રાણા અને રવિન્દ્ર જાડેજાની બોલિંગ બાદ ભારતે શુભમન ગીલની ઈનિંગની મદદથી પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું :ઇંગ્લેન્ડની ટીમ 47.4 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ

 

નવી દિલ્હી. હર્ષિત રાણા અને રવિન્દ્ર જાડેજાની બોલિંગ બાદ ભારતે શુભમન ગીલની ઈનિંગની મદદથી પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી મહેમાન ટીમ 47.4 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બેટ્સમેનોએ 11 ઓવર પહેલા આ લક્ષ્યનો પીછો કરી લીધો હતો.

  પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડને સારી શરૂઆત મળી હતી. બેન ડકેટ અને ફિલિપ સોલ્ટે પ્રથમ વિકેટ માટે 75 રન જોડ્યા હતા. સોલ્ટ 9મી ઓવરમાં રનઆઉટ થયો હતો. તેણે 26 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. બીજી જ ઓવરમાં હર્ષિત રાણાએ ડકેટને પોતાનો શિકાર બનાવ્યો હતો. તેણે 29 બોલનો સામનો કર્યો અને 32 રન બનાવ્યા. આ જ ઓવરમાં રાણાએ હેરી બ્રુકને શૂન્ય રને પેવેલિયન મોકલી દીધો હતો.

  રવિન્દ્ર જાડેજાએ 19મી ઓવરમાં જો રૂટને LBW આઉટ કર્યો હતો. લાંબા સમય બાદ વનડેમાં પરત ફરેલા રૂટે 19 રન બનાવ્યા હતા. કેપ્ટન જોસ બટલરે અડધી સદી ફટકારી હતી. તેણે 67 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. આ પછી લિયામ લિવિંગસ્ટોને 5, બ્રેડન કાર્સે 10, જેકબ બેથેલે 51, આદિલ રશીદે 8 અને સાકિબ મહમૂદે 2 રન બનાવ્યા હતા. જોફ્રા આર્ચર 21 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી હર્ષિત રાણા અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત શમી, અક્ષર પટેલ અને કુલદીપ યાદવે 1-1 વિકેટ પોતાના ખાતામાં લીધી હતી.

  249 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. 19ના સ્કોર પર ભારતને 2 ઝટકો લાગ્યો હતો. ડેબ્યૂ ODI રમી રહેલા યશસ્વી જયસ્વાલે 15 રન અને કેપ્ટન રોહિત શર્માએ 2 રન બનાવ્યા હતા. આ પછી શુભમન ગિલે શ્રેયસ અય્યર સાથે મળીને ત્રીજી વિકેટ માટે 94 રન જોડ્યા હતા. અય્યર 16મી ઓવરમાં LBW આઉટ થયો હતો. તેણે 36 બોલમાં 59 રન બનાવ્યા હતા

  આ પછી ગિલ અને અક્ષર પટેલ વચ્ચે ચોથી વિકેટ માટે 108 રનની ભાગીદારી થઈ હતી. આદિલ રાશિદે 34મી ઓવરમાં અક્ષરને LBW આઉટ કર્યો હતો. અક્ષરે 47 બોલનો સામનો કર્યો અને 52 રન બનાવ્યા. કેએલ રાહુલ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને 2 રન બનાવ્યા હતા. સદી તરફ આગળ વધી રહેલ શુભમન ગિલ 87ના સ્કોર પર જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો. આ ઇનિંગમાં તેણે 14 ચોગ્ગા પણ ફટકાર્યા હતા.

(9:03 PM IST)