<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

અંતિમ ટી-20માં ભારતનો 150 રને શાનદાર વિજય :અભિષેક શર્માએ જેટલા રન પણ ઇંગ્લેન્ડથી ના થયા :ભુંડી રીતે પરાજય

ભારતીય ટીમે મુંબઈમાં રમાયેલી પાંચમી T20 મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું અને આ સાથે જ શ્રેણી 4-1થી જીતી લીધી

મુંબઈ : અભિષેક શર્માની તોફાની સદી અને પછી બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ભારતે રવિવારે પાંચમી T20 મેચમાં ઈંગ્લેન્ડને 150 રનથી હરાવ્યું. આ સાથે ભારતે આ શ્રેણી 4-1થી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા હતા. આ સ્કોર સામે ઈંગ્લેન્ડ 97 રનમાં સમેટાઈ ગયું હતું.

અભિષેકે આ મેચમાં રેકોર્ડબ્રેક ઇનિંગ્સ રમી હતી અને 135 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે સાત ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા હતા. તેણે એકલા હાથે ઈંગ્લેન્ડના બોલરોના હંફાવ્યા હતા. તે T20 ઈન્ટરનેશનલમાં ત્રીજી સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન પણ બની ગયો છે. આ સાથે જ ટી20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ અભિષેકના નામે નોંધાઈ ગયો છે. આ પહેલા આ રેકોર્ડ શુભમન ગિલના નામે હતો. ગિલે જાન્યુઆરી 2023માં અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે 126 રન બનાવ્યા હતા.

 

ઈંગ્લેન્ડ પાસે 248 રનના ટાર્ગેટને ચેઝ કરી શકે તેવા ખેલાડીઓ છે, પરંતુ મુંબઈની વાનખેડેની વિકેટ તેના બેટ્સમેનોને અનુકૂળ ન રહી અને તેઓ એક પછી એક વિકેટ ગુમાવતા રહ્યા.મોહમ્મદ શમીએ ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર બેન ડકેટ (0)ને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જોકે ફિલ સોલ્ટ બીજા છેડેથી ઝડપી ગતિએ રન બનાવી રહ્યો હતો, પરંતુ વરુણ ચક્રવર્તીએ પાંચમી ઓવરના પ્રથમ બોલ પર ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરને આઉટ કર્યો અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ એક પછી એક પેવેલિયન ફરતા ગયા.

અહીંથી ઈંગ્લેન્ડ ટીમે 10મી ઓવર સુધી દરેક ઓવરમાં વિકેટ ગુમાવી છે. ઈંગ્લેન્ડ અહીં પહોંચ્યું ત્યાં સુધીમાં તેણે માત્ર 90 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. હેરી બ્રુક (2), લિયામ લિવિંગ્સ્ટન (9), જેકબ બેથલ (10), બેરીડન કાર્સ (3), જેમી ઓવરટોન (1) પેવેલિયન પરત ફર્યા હતા. સોલ્ટ 23 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 55 રન બનાવીને શિવમ દુબેનો શિકાર બન્યો હતો. શમીએ 11મી ઓવરમાં બે વિકેટ લઈને ઈંગ્લેન્ડની ઈનિંગ્સનો અંત આણ્યો હતો.

ભારત તરફથી શમીએ ત્રણ, વરુણ, દુબે અને અભિષેકને બે-બે વિકેટ ઝડપી હતી. અભિષેક એક જ T20 મેચમાં સદી ફટકારનાર અને વિકેટ લેનાર પ્રથમ ભારતીય બની ગયો છે. 

ઈંગ્લેન્ડ કેપ્ટન બટલરે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું કહ્યું હતું. પહેલા જ બોલ પર સિક્સર ફટકાર્યા બાદ સંજુ સેમસન પોતાની ઇનિંગ્સને વધુ આગળ લઈ શક્યો ન હતો. માર્ક વૂડે ફરીથી શોર્ટ બોલ વડે તેની ઇનિંગ્સનો અંત કર્યો હતો. તેણે સાત બોલમાં 16 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 15 બોલમાં 24 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફરી નિષ્ફળ ગયો અને માત્ર બે રન બનાવી શક્યો.

અભિષેક આ દરમિયાન ઇંગ્લેન્ડના બોલરોને સતત હંફાવી રહ્યો હતો. આમાં તેને શિવમ દુબેએ પણ સાથ આપ્યો હતો. દુબે 13 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. અંતમાં અક્ષર પટેલે 11 બોલમાં 15 રન ફટકારીને ટીમને મજબૂત બનાવી હતી. અભિષેક 18મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. તેની રેકોર્ડ ઇનિંગ્સે ભારતને મજબૂત સ્કોર અપાવ્યો હતો, જેનો બોલરોએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.

(11:02 PM IST)