<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

ICC મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનો સતત બીજી વખત ભારતીય ટીમે તાજ જીત્યો: ઈતિહાસ રચ્યો

ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે કારમી હાર આપી: ગોંગડી ત્રિશાએ ભારતીય ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી: બોલિંગમાં ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બેટથી 44 અણનમ રન બનાવ્યા

નવી દિલ્લી: ભારતીય ટીમે ICC મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો. રવિવારે (2 ફેબ્રુઆરી) રમાયેલી ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું હતું. મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 83 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે માત્ર 11.2 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. ગોંગડી ત્રિશાએ ભારતીય ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્રિશાએ બોલિંગમાં ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બેટથી 44 અણનમ રન બનાવ્યા હતા. ભારતે સતત બીજી વખત આ ખિતાબ જીત્યો છે. અગાઉની આવૃત્તિ 2023માં દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી, જેમાં ભારતીય ટીમ શેફાલી વર્માની કપ્તાનીમાં ચેમ્પિયન બની હતી.

ફાઇનલમાં લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી. જી કમલિની અને ગોંગડી ત્રિશાએ મળીને 4.3 ઓવરમાં 36 રનની ભાગીદારી કરી હતી. 8 રન બનાવીને કમલિની કાયલા રેનેકેના બોલ પર સિમોન લોરેન્સના હાથે કેચ આઉટ થઈ ગઈ હતી. અહીંથી ત્રિશા અને સાનિકા ચાલકેએ શાનદાર ભાગીદારી કરી અને ભારતને જીતના મુકામ સુધી પહોંચાડ્યું. ત્રિશાએ 33 બોલમાં 8 ચોગ્ગાની મદદથી અણનમ 44 રન બનાવ્યા હતા. જ્યારે સાનિકા 26 રન બનાવીને અણનમ પરત ફરી હતી.

 

સાઉથ આફ્રિકાની ઇનિંગ્સની હાઇલાઇટ્સ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાની શરૂઆત બહુ ખાસ રહી ન હતી અને તેને પહેલો ફટકો બીજી ઓવરમાં લાગ્યો જ્યારે ડાબા હાથની સ્પિનર પારુણિકા સિસોદિયાએ સિમોન લોરેન્સ (0)ને બોલ્ડ કર્યો. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાનો સ્કોર 11 રન હતો. ત્યારબાદ મીડિયમ પેસર શબનમ શકીલે બીજી ઓપનર જેમ્મા બોથાને વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. બોથાએ 14 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 16 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાને 20 રનના સ્કોર પર ત્રીજો ફટકો પડ્યો, જ્યારે ડાબા હાથના સ્પિનર આયુષી શુક્લાએ ડાયરા રામલાકન (3)ને બોલ્ડ કર્યો.

 

દક્ષિણ આફ્રિકાની વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ રહી. પાર્ટ ટાઈમ સ્પિનર ગોંગાડી ત્રિશાએ કેપ્ટન કાયલા રેઈનકે (7 રન)ને પેવેલિયન મોકલી હતી. જ્યારે કારાબો માસેઓ (10 રન) આયુષી શુક્લાએ પોતાની સ્પિનમાં ફસાઈ ગયા હતા. 44 રનમાં પાંચ વિકેટ પડી ગયા બાદ મિકી વેન વૂર્સ્ટ અને ફે કાઉલિંગે દાવને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 30 રનની ભાગીદારી થઈ હતી.

 

ત્યારબાદ ગોંગડી ત્રિશાએ એક જ ઓવરમાં બે વિકેટ લઈને સાઉથની સ્થિતિ ફરી ખરાબ કરી દીધી હતી. ત્રિશાએ મિકી વેન વૂર્સ્ટને સ્ટમ્પ આઉટ કરાવ્યો. ત્યારબાદ તેણે શેશની નાયડુ (0)ને બોલ્ડ કર્યો. માઈક વેન વૂર્સ્ટે 18 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી સૌથી વધુ 23 રન બનાવ્યા હતા. આ પછી ડાબોડી સ્પિનર વૈષ્ણવી શર્માએ એક જ ઓવરમાં ફે કાઉલિંગ (15) અને મોનાલિસા લેગોડી (0)ની વિકેટ લીધી હતી. જ્યારે ઈનિંગના છેલ્લા બોલ પર પારુણિકા સિસોદિયાએ એશ્લે વાન વિક (0)ને પેવેલિયન પરત મોકલ્યો હતો. ભારત તરફથી ગોંગડી ત્રિશાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે વૈષ્ણવી શર્મા, પારુણિકા સિસોદિયા અને આયુષી શુક્લાને બે-બે સફળતા મળી. આ મેચમાં ભારતના સ્પિનરોએ કુલ 9 વિકેટ ઝડપી હતી.

(3:27 PM IST)