<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

ભારતે રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને 2 વિકેટથી હરાવ્યું; તિલક વર્મા અને વૉશિંગ્ટન સુંદરની શાનદાર બેટિંગ

તિલક વર્માએ 55 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા સહિત 72 રન ફટકાર્યા : ભારતે શ્રેણીમાં 2-0થી લીડ મેળવી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ ચેન્નાઈના ઐતિહાસિક ચેપોક મેદાન પર રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા. વોશિંગ્ટન સુંદર અને ધ્રુવ જુરેલને તક મળી હતી.

પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે ભારતીય ટીમને 166 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ સ્કોર જોસ બટલરનો 45 રન હતો. ત્યારબાદ ભારતીય ટીમના ટોચના ક્રમના બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નહીં પણ તિલક વર્માએ શાનદાર ઇનિંગ્સ રમી અને ટીમને જીત તરફ દોરી ગયો હતો.

ભારત તરફથી તિલક વર્માએ 72 રન અને વોશિંગ્ટન સુંદરે 26 રનનું યોગદાન આપ્યું હતુ. આ ખેલાડીઓના કારણે ટીમ ઈન્ડિયા મેચ જીતવામાં સફળ રહી અને આ સાથે ભારતે શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી.
તિલક વર્મા ટીમ માટે સૌથી મોટો હીરો સાબિત થયો. તેણે મેચમાં 55 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા સહિત 72 રન બનાવ્યા હતા.

આ અગાઉ આ મેચમાં પણ યજમાન ટીમની રણનીતિ સ્પષ્ટ હતી કારણ કે તેઓ ફક્ત એક મુખ્ય ફાસ્ટ બોલર અર્શદીપ અને એક ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે આવ્યા હતા. વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તી જેવા સ્પિનરોની સેનાએ એવું આક્રમણ કર્યું કે અંગ્રેજી બેટ્સમેન લાચાર બની ગયા.

(12:33 AM IST)