તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારતની વિજયી શરૂઆત : પહેલી લીગ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 109 રનથી હરાવ્યું
ભારત માટે ડેબ્યુટ કરનાર નિખિલ મનહાસે 47 બોલનો સામનો કરીને 59 રન ફટકાર્યા :કેપ્ટન વિક્રાંત કેનીએ 23 બોલમાં 37 રનની આકર્ષક ઇનિંગ રમી

ભારતે દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં શાનદાર શરૂઆત કરી છે. પહેલી લીગ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 109 રનથી હરાવ્યું છે. ભારતની આ જીતમાં નિખિલ અને માજિદે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 161 રનના લક્ષ્યાંકના જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ 51 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટુર્નામેન્ટ શ્રીલંકામાં આયોજિત કરવામાં આવી છે.
મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાન સામે પાવરપ્લેમાં દિવ્યાંગ ટીમ ઈન્ડિયાની શરૂઆત શાનદાર રહી હતી. પ્રથમ 6 ઓવર પછી ભારતનો સ્કોર 43/1 હતો. ભારત માટે ડેબ્યુટ કરનાર નિખિલ મનહાસે યાદગાર ઇનિંગ રમી હતી. નિખિલ મનહાસે 47 બોલનો સામનો કરીને 59 રનની ઝડપી ઇનિંગ રમી. પોતાની ઇનિંગ દરમિયાન નિખિલે ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. કેપ્ટન વિક્રાંત કેનીએ પણ નિખિલને સાથ આપ્યો. કેપ્ટને 23 બોલમાં 37 રનની આકર્ષક ઇનિંગ રમી હતી.
છેલ્લી ઓવરોમાં, કુણાલે એક નાનકડી ઇનિંગ રમી અને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. કુણાલે 31 બોલમાં 30 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 19 ઓવરમાં 161 રનનો પડકારજનક લક્ષ્યાંક આપ્યો હતો. પાકિસ્તાન તરફથી વકીફ શાહે 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાન લક્ષ્યનો પીછો કરવા ઉતર્યું અને 12.1 ઓવરમાં ફક્ત 51 રનમાં ઓલઆઉટ થઈ ગયું. પાકિસ્તાની બેટ્સમેન પણ લાંબા સમય સુધી ભારતીય બોલરોનો સામનો કરી શક્યા નહીં. પાકિસ્તાન તરફથી અબ્દુલ ખાલિદે સૌથી વધુ 13 રન બનાવ્યા.
આ ઉપરાંત અબ્દુલ્લા ઇજાઝે 11 રન બનાવ્યા. અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિઝીટ સુધી પણ પહોંચી શક્યા નહીં અને એક પછી એક વિકેટ ગુમાવી દીધી. ભારત તરફથી માજિદે બે ઓવરમાં 11 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે રાધિકા પ્રસાદ અને જીતેન્દ્રને બે-બે વિકેટ મળી.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
