<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

હવે ટીમ ઇન્ડિયાને મોટી સર્જરીની જરૂર: ગૌતમે બનવું 'પડશે ગંભીર 'અને અગરકરે લેવા પડશે આકરા નિર્ણયો

કેટલાક વરિષ્ઠ ખેલાડીઓએ ભારતીય ક્રિકેટ ટીમને પોતાની સંપત્તિ માની:સતત ખરાબ ફોર્મ છતાં પસંદગીકારો તેને ટીમમાંથી હટાવી શક્યા નથી

કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે સમજવું પડશે કે જો તેઓ અમર્યાદિત સમય સુધી આવા ખેલાડીઓને સમર્થન આપતા રહેશે તો ટીમ જીતશે નહીં અને તેમની સ્થિતિ જોખમમાં આવશે. ખાસ કરીને જો ગંભીર પોતાનું સ્થાન બચાવવા અને ભારતને જીત અપાવવા માંગતો હોય તો તેણે મુખ્ય પસંદગીકાર અને BCCI સાથે સંકલન કરીને સર્જરી કરાવવી પડશે.

છેલ્લા પાંચ વર્ષથી ટેસ્ટમાં સરેરાશથી ઓછું પ્રદર્શન કરી રહેલા વિરાટના ફેન્સને પણ લાગે છે કે BCCI તેના સ્ટારડમની સરખામણીમાં વામણું છે. ચોક્કસપણે હવે BCCIએ બતાવવું પડશે કે દેશમાં ક્રિકેટ કે સ્ટાર કલ્ચર મોટું છે. ટીમ પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. જો છેલ્લા કેટલાક વર્ષોમાં વિરાટ અને રોહિત કરતા સારૂ પ્રદર્શન કરનાર રવિચંદ્રન અશ્વિનને પ્રવાસની વચ્ચે જ નિવૃત્તિ લેવાની ફરજ પડી શકે છે તો અત્યંત ખરાબ ફોર્મમાં રહેલા ખેલાડીઓ પર સવાલો ઉભા થશે.

કોચ પર પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે તેમના નેતૃત્વમાં ભારત આ સિઝનમાં 10માંથી 6 ટેસ્ટ હારી ચૂક્યું છે. આ ઉપરાંત ટીમને શ્રીલંકામાં વનડે શ્રેણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

આ શ્રેણીમાં જસપ્રીત બુમરાહ એકમાત્ર એવો ખેલાડી હતો જેનાથી ઓસ્ટ્રેલિયન ટીમ ડરતી હતી. તેણે પાંચ મેચમાં 32 વિકેટ લઈને યજમાનોને ચોંકાવી દીધા હતા. તેની કેપ્ટનશિપમાં ભારતે પ્રથમ ટેસ્ટ જીતી હતી, પરંતુ રોહિતના આગમન બાદ ટીમની લય બગડી હતી. તેને છેલ્લી મેચમાં કેપ્ટનશિપ આપવામાં આવી હતી, પરંતુ અહીં પણ ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ભારતનો પ્રથમ દાવ 185 રનમાં અને બીજી ઈનિંગ 157 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. પ્રથમ દાવમાં 181 રનમાં ઓલઆઉટ થયેલી ઓસ્ટ્રેલિયન ટીમે બીજી ઇનિંગમાં ચાર વિકેટે 162 રન બનાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 3-1થી જીતી લીધી હતી.

ભારતીય બેટ્સમેનો છેલ્લી આઠ ટેસ્ટ મેચોની 15 સંપૂર્ણ ઇનિંગ્સમાંથી 12માં 80 ઓવર પણ રમી શક્યા નથી. ઓસ્ટ્રેલિયા સામેની આ શ્રેણીમાં, ભારતે 9 સંપૂર્ણ ઇનિંગ્સ રમી, જેમાંથી માત્ર બેમાં તેના બેટ્સમેનોએ 80 ઓવર કે તેથી વધુ બેટિંગ કરી. એડિલેડમાં ટીમ બંને દાવ સહિત માત્ર 81 ઓવર જ રમી શકી હતી. આ સિરીઝમાં ભારતીય ટીમ 9 પૂરી થયેલી ઇનિંગ્સમાંથી માત્ર ત્રણ વખત 200નો આંકડો પાર કરી શકી છે. આ પહેલા ભારતને ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં ઘરઆંગણે પ્રથમ વખત ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે તે શ્રેણીની છ ઇનિંગ્સમાંથી પાંચ ઇનિંગ્સમાં 80થી ઓછી ઓવર રમી હતી. આમાં ટીમ ત્રણ ઇનિંગ્સમાં 200નો આંકડો પણ સ્પર્શી શકી નથી. બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ટીમ માત્ર 45 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

 શું થયું અને આગળ શું થશે

નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેકનિકલ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે.

જ્યારે વિરાટ આઉટગોઇંગ બોલ પર આઉટ થઈ રહ્યો છે, ત્યારે રોહિત પ્રેક્ટિસ સેશનમાં પણ યોગ્ય રીતે રમી શકતો નથી.

ત્રણ વખત શૂન્ય પર આઉટ થવા છતાં યશસ્વી જયસ્વાલ (391) ભારતનો ટોપ સ્કોરર રહ્યો.

તેના પછી નવોદિત નીતીશ કુમાર રેડ્ડી (298), લોકેશ રાહુલ (276) અને ઋષભ પંત (255)નો નંબર આવે છે.

રોહિત અને વિરાટ પર નિર્ભરતાને બાજુ પર રાખીને, ટીમમાં નવા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રની તૈયારી કરવા માટે કેટલાક સારા યુવા ખેલાડીઓનો સમાવેશ કરવો જોઈએ.

ભારતે જૂન-જુલાઈમાં ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે આગામી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે.

ભારતે ત્રણ સારા ફાસ્ટ બોલર તૈયાર કરવા પડશે, સિરાજથી ખાસ કંઈ થવાનું નથી.

પ્રસિદ્ધ કૃષ્ણ કેટલાક સારા બોલ ફેંક્યા પછી લોલીપોપ ફેંકે છે.

હર્ષિત રાણા ટેસ્ટ બોલર બિલકુલ નથી

રવીન્દ્ર જાડેજાના ભવિષ્ય વિશે પણ આપણે વિચારવું પડશે. તે સ્પિનરને બદલે બેટ્સમેન જેવો દેખાય છે.

પુણેમાં વોશિંગ્ટન સુંદરની 12 વિકેટને બાજુ પર રાખીને, તે બેટિંગ-ફ્રેન્ડલી વિકેટો પર સક્ષમ ઓફ-સ્પિનર કરતાં વધુ બેટ્સમેન છે.

જયસ્વાલ પાસે પાવર છે, પરંતુ તેણે સતત સારી બેટિંગ કરવી પડશે.

નીતિશ રેડ્ડીએ બેટથી તાકાત બતાવી છે પરંતુ હાર્દિક પંડ્યા જેવો ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર બનવા માટે તેણે વધુ વિકેટ લેવી પડશે.

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી હતીઓસ્ટ્રેલિયાએ ODI વર્લ્ડ કપ જીત્યોઓસ્ટ્રેલિયાએ એશિઝ શ્રેણી જીતી હતીઓસ્ટ્રેલિયાએ 10 વર્ષ બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી

ગંભીર યુગમાં ભારતીય ટીમ શ્રીલંકામાં વનડે શ્રેણી 2-0થી હારી ગઈ હતી. ન્યૂઝીલેન્ડના હાથે ટેસ્ટ શ્રેણીમાં ઘરઆંગણે 3-0થી વ્હાઇટ વોશ જોવા મળ્યો હતો. ભારતીય ટીમ ઘરઆંગણે 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 12 વર્ષ બાદ ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણી હારી છે. ઓસ્ટ્રેલિયા સામે 10 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો.

(11:55 AM IST)