News of Sunday, 29th December 2024
ઓસ્ટ્રેલિયાની ટીમને લાગ્યો મોટો ફટકો:જોશ ઈંગ્લીશ ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઇ ગયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર: ઓસ્ટ્રેલિયન ખેલાડી જોશ ઈંગ્લિશ સિરીઝની વચ્ચે ઈજાગ્રસ્ત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ મેલબોર્નના મેદાન પર રમાઈ રહી છે, જેમાં ચાર દિવસની રમત થઈ ગઈ છે અને હજુ એક દિવસની રમત બાકી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેનો બેકઅપ વિકેટકીપર જોશ ઈંગ્લિશ ઈજાને કારણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બાકીની ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે.
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી બોક્સિંગ-ડે ટેસ્ટ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે જોશ ઈંગ્લિશ ઈજાગ્રસ્ત થયો હતો અને તેના પિંડલીમાં તાણ આવી ગયો હતો. અત્યાર સુધી તેને સિરીઝની કોઈપણ મેચની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી. હવે ઈંગ્લિશની ઈજાને કારણે બિગ બેશ લીગમાં તેના રમવા અંગે શંકા વધુ ઘેરી બની છે. તેની ઈજા કેટલી ગંભીર છે તે હજુ જાણી શકાયું નથી.
ઓસ્ટ્રેલિયન ટીમે હજુ સુધી તેની જગ્યાએ ક્યા ખેલાડીને લેવો તેની જાહેરાત કરી નથી. જ્યારે ટીમ મેનેજમેન્ટ શ્રીલંકા પ્રવાસ માટે તેની જલ્દી ફિટનેસ માટે પ્રાર્થના કરશે. ભારત સામેની સીરીઝ બાદ ઓસ્ટ્રેલિયન ટીમે શ્રીલંકાની ટીમ સામે બે ટેસ્ટ મેચની સીરીઝ રમવાની છે. ઈંગ્લિશ હજુ સુધી ઓસ્ટ્રેલિયન ટીમ માટે ટેસ્ટ ડેબ્યુ કરી શક્યો નથી.
જોશ ઈંગ્લીશએ વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયા તરફથી વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ટીમ માટે 26 ODI મેચમાં 521 રન બનાવ્યા છે. તેના નામે 29 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 706 રન છે. તેણે T20Iમાં પણ બે સદી ફટકારી છે. જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે ત્રણ હજારથી વધુ રન નોંધાયેલા છે.
ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમઃ
પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, જાય રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
