<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

નીતિશની સદી જોઇ કોમેન્‍ટ્રી બોકસમાં રવિશાસ્‍ત્રી પણ રડી પડયોઃ ભાવુક દ્રશ્‍યો

ભારત ફોલોઓનમાંથી બહાર આવતા ફેન્‍સના ચહેરાઓ ઉપર ખુશી છવાઇ ગઇ હતી

નવી દિલ્‍હીઃ નીતિશ કુમાર રેડ્ડીની એક સદીએ એ ખુશી આપી, જેના માટે દરેક ભારતીય ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ ઝંખી રહ્યા હતા. તેની શાનદાર ઇનિંગ જોઈને ફેન્સ સાથે ભૂતપૂર્વ ખેલાડીઓનો જોશ પણ સાતમા આસમાને પહોંચી ગયો હતો. બોક્સિંગ ડે ટેસ્ટના ત્રીજા દિવસે રેડ્ડીએ પોતાના ટેસ્ટ કરિયરની પહેલી સદી ફટકારી, જેને જોઈને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત તમામ દર્શકો નતમસ્તક થઈ ગયા. નીતિશના પિતા મુત્યાલા રેડ્ડી પણ ભાવુક થઈ ગયા હતા. ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી પણ પોતાના આંસુ રોકી શક્યા નહીં. તે કોમેન્ટ્રી દરમિયાન પોતાના પર કાબુ રાખી શક્યા નહીં અને ભાવુક થઈ ગયા.

ટીમ ઇન્ડિયા મેલબોર્ન ટેસ્ટમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. 191 રનના સ્કોર પર 6 વિકેટ પડી ચૂકી હતી અને ટીમ હારની અણીએ પહોંચી ગઈ હતી. ફેન્સના ચહેરાઓ પર નિરાશા છવાઈ ગઈ હતી અને ભારતના દિગ્ગજ ખેલાડીઓના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. ત્યારે જ નીતિશ કુમાર રેડ્ડીએ સદી ફટકારી ટીમની લાજ રાખી લીધી. જેના કારણે ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી પણ કોમેન્ટ્રી કરતા કરતા રડી પડ્યા હતા. તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. તેનું ગળું સુકાવા લાગ્યું, તે એટલા ઇમોશનલ થઈ ગયા બરાબર બોલી પણ શક્યા નહીં.

નીતિશ રેડ્ડી જ્યારે પોતાની સદી તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે અચાનક વિકેટ પડવાનું શરૂ થઈ ગયું. એક ક્ષણ માટે એવું લાગ્યું કે, તે પોતાની સદી ચૂકી જશે અને ટીમ ઇન્ડિયા દિવસ પૂર્ણ થાય તે પહેલા જ ઓલઆઉટ થઈ જશે. ત્યાર બાદ સ્ટેડિયમમાં ઉપસ્થિત તમામ લોકો પ્રાર્થના કરવા લાગ્યા હતા. આ રોમાંચક ક્ષણ વચ્ચે જ મેલબોર્નમાં નીતિશ રેડ્ડીએ સદી પૂરી કરી. જણાવી દઈએ કે, નીતિશે વોશિંગ્ટન સુંદર સાથે મળીને શતકીય પાર્ટનરશીપ કરીને ટીમને ફોલોઓનથી બચાવી હતી. હવે ભારતીય ટીમ 9 વિકેટ ગુમાવીને 358 રન બનાવી ચૂકી છે અને ઓસ્ટ્રેલિયાથી 116 રન પાછળ છે. જ્યારે નીતિશ કુમાર રેડ્ડી 176 બોલમાં 105 રન બનાવીને અણનમ છે. તેની સાથે સિરાજ પણ 7 બોલમાં 2 રન બનાવીને અણનમ રહ્યો હતો.

(1:17 PM IST)