તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Wednesday, 25th December 2024
કાલથી બોકસીંગ ટેસ્ટઃ ટીમ ઇન્ડિયા માટે મેલબોર્નનું ગ્રાઉન્ડ લકકી
કોચ ગૌતમ ગંભીર, કેપ્ટન રોહિત શર્માની આકરી કસોટીઃ બેટીંગ-બોલિંગ બન્નેમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે :૨૦૧૧ બાદ ભારત આ મેદાનમાં એક પણ મેચ હાર્યુ નથી, ૧૯૭૭માં આ ગ્રાઉન્ડ પર પહેલી જીત મળી હતી

નવી દિલ્હીઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતની ચોથી ટેસ્ટ ૨૬મી ડિસેમ્બરથી મેલબોર્નના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ઓસ્ટ્રેલિયાનું આ એવું મેદાન છે જ્યાં ભારતીય ટીમે સૌથી વધુ સફળતાનો સ્વાદ ચાખ્યો છે. વર્ષ ૨૦૧૧ બાદ ભારતીય ટીમ અહીં એક પણ ટેસ્ટ હારી નથી. ૨૦૧૪ એટલે કે ૧૦ વર્ષથી અજેય છે. ભારતીય ટીમ આ મેદાન પર ૯ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમ્યું છે. જેમાં ૨ ટેસ્ટ જીત્યું છે. વર્ષ ૧૯૮૫થી લઈને ૨૦૨૦ સુધી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં બોક્સિંગ ડેની પ્રત્યેક ટેસ્ટનું આયોજન મેલબોર્નમાં કરવામાં આવ્યું છે.
મેલબોર્નમાં ભારતીય ટીમ ૧૯૪૮થી ૨૦૨૦ વચ્ચે ૧૪ ટેસ્ટ મેચ રમી ચૂકી છે. જેમાં ૪ મેચમાં જીત મેળવી છે અને ૮માં પરાજય થયો છે. ૨ મેચ ડ્રો થઈ છે. ભારતે ૧૯૭૭માં આ મેદાન પર પહેલી જીત મેળવી હતી. ૧૯૮૧માં પોતાની બીજી મેચ જીતી હતી. આ પછી ભારતે ૩૭ વર્ષ બાદ ૨૦૧૮માં જીત મેળવી હતી. આ પછી ૨૦૨૦માં પણ જીત મેળવી હતી.
ભારતીય ટીમને છેલ્લે ૨૦૧૧માં મેલબોર્નમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને ૧૨૨ રનથી હરાવ્યું હતું. ૨૦૧૪માં આ મેચ ડ્રોમાં પરિણમી હતી. દિગ્ગજ મહેન્દ્રસિંહ ધોનીની આ છેલ્લી ટેસ્ટ મેચ હતી. ૨૦૧૮ અને ૨૦૨૦માં ભારતે શાનદાર જીત મેળવી હતી.
૧૯૭૭માં ભારતે મેલબોર્નમાં પ્રથમ વિજય મેળવ્યો હતો. આ મેલબોર્નમાં જ નહીં ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ વિજય હતો. બિશન સિંહ બેદીની આગેવાનીમાં ભારતે ૨૨૨ રને વિજય મેળવ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા ૨૫૬ રન બનાવ્યા હતા. મોહિન્દર અમરનાથે સૌથી વધારે ૭૨ રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા ૨૧૩ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભગવથ ચંદ્રશેખરે ૬ વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં સુનીલ ગાવસ્કરે ૧૧૮ રન બનાવ્યા હતા. ભારતે ૩૪૩ રન બનાવ્યા હતા. ૩૮૭ ના પડકાર સામે ઓસ્ટ્રેલિયા ૧૬૪ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભગવથ ચંદ્રશેખરે ૬ અને બિશન સિંહ બેદીએ ૪ વિકેટ ઝડપી હતી.
૧૯૮૧માં સુનીલ ગાવસ્કરની આગેવાનીમાં ભારતે મેલબોર્નમાં બીજો વિજય મેળવ્યો હતો. ગુંડપ્પા વિશ્વનાથના ૧૧૪ રનની મદદથી ભારતે ૨૩૭ રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૪૧૯ રન બનાવ્યા હતા. ભારતે બીજા દાવમાં ચેતન ચૌહાણ (૮૫), સુનીલ ગાવસ્કર (૭૦)ની અડધી સદીની મદદથી ૩૨૪ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને ૧૪૩ રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે તે ૮૩ રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. કપિલ દેવે ૫ વિકેટ ઝડપી હતી.
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ચેતેશ્વર પૂજારાની સદી (૧૦૬) અને વિરાટ કોહલીના ૮૨ રનની મદદથી ૭ વિકેટે ૪૪૩ રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયા ૧૫૧ રનમાં ધરાશાઇ થયું હતું. બુમરાહે ૬ વિકેટ ઝડપી હતી. ભારતે બીજા દાવમાં ૮ વિકેટે ૧૦૬ રન બનાવી ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાને ૩૯૯ રનનો પડકાર મળ્યો હતો. જોકે ત ૨૬૧ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. બુમરાહ અને જાડેજાએ ૩-૩ વિકેટ ઝડપી હતી. બુમરાહે કુલ ૯ વિકેટ ઝડપી હતી.
૨૦૨૦માં ભારતીય ટીમ ૩૬ રન બનાવી આઉટ થયા બાદ બોક્સિંગ ડે ટેસ્ટ રમવા મેલબોર્ન પહોંચી હતી. ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં ૧૯૫ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.બુમરાહે સૌથી વધારે ૪ વિકેટ ઝડપી હતી. કેપ્ટન અજિંકય રહાણેએ (૧૧૨)શાનદાર સદી ફટકારતા ભારતે ૩૨૬ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં ૨૦૦ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. સિરાજે સૌથી વધારે ૩ વિકેટ ઝડપી હતી. ભારતે ૭૨ રનનો પડકાર ૨ વિકેટ ગુમાવી વટાવી લીધો હતો. આ ટેસ્ટમાં શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજે ડેબ્યૂ કર્યું હતું.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
