<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

અંડર-19 મહિલા એશિયા કપ: ભારતે ફાઈનલ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યુઃ ખિતાબ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 41 રને હરાવ્યું હતું.

મુંબઇઃ  અંડર-19 મહિલા એશિયા કપની પ્રથમ આવૃત્તિ મલેશિયામાં યોજાઈ હતી. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને આ ટુર્નામેન્ટ જીતી. ભારતે ફાઈનલ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું.
ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને અંડર-19 મહિલા એશિયા કપ 2024નું ટાઇટલ જીત્યું છે. રવિવારે (22 ડિસેમ્બર) કુઆલાલંપુરના બ્યુમસ ઓવલ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 41 રને હરાવ્યું હતું.
ફાઈનલ મેચમાં બાંગ્લાદેશી ટીમને જીતવા માટે 118 રનનો ટાર્ગેટ હતો, જેનો તે સફળતાપૂર્વક પીછો કરી શકી નહોતી. બાંગ્લાદેશની ટીમ માત્ર 76 રનમાં સમેટાઈ ગઈ હતી. આ ટુર્નામેન્ટનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે ખિતાબ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.
મેચના શરૂઆતમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 7 વિકેટે 117 રન બનાવ્યા હતા. જેમાં ભારતના ઓપનર ગોંગડી ત્રિશાએ 47 બોલમાં સૌથી વધારે રન બનાવ્યા હતા. જ્યારે મિથિલા વિનોદે 17 રન, કેપ્ટન નિક્કી પ્રસાદે 12 રન અને આયુષી શુક્લાએ 10 રન બનાવ્યા હતા. બીજી તરફ બાંગ્લાદેશ તરફથી ફરઝાના ઇસ્મિને સૌથી વધારે ચાર વિકેટો લીધી હતી.

(12:34 PM IST)