<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

અમેરીકાની ટી-ર૦ લીગને મોટો ફટકોઃ આઇસીસીએ માન્‍યતા ન આપી

સચિન તેંડુલકર સહીતના દિગ્‍ગજ ક્રિકેટરો જોડાયેલા છેઃ પ્‍લેઇંગ ઇલેવનના નિયમોનું પાલન ન કરાતા અને યુએસ ઇમિગ્રેશનના નિયમો તોડાતા લેવાયું પગલું

નવી દિલ્‍હી, તા., ૧૦:  અમેરિકા છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટની દુનિયામાં પોતાના મૂળિયા મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પછી તે T૨૦ વર્લ્‍ડ કપનું આયોજન હોય કે પછી ઓલિમ્‍પિકમાં ક્રિકેટનો સમાવેશ. જોકે, તેના પ્રયાસોને મોટો ફટકો પડ્‍યો છે. ICCએ અમેરિકાની નેશનલ ક્રિકેટ લીગ પર પ્રતિબંધ મુકયો છે. ICCએ અમેરિકા ક્રિકેટ બોર્ડને પત્ર લખીને જાણ કરી છે કે તે આ લીગની આગામી સિઝનને માન્‍યતા આપશે નહીં.

પત્રમાં કહેવામાં આવ્‍યું છે કે લીગમાં પ્‍લેઈંગ ઈલેવનના નિયમોનું પાલન કરવામાં આવ્‍યું ન હતું. દરેક ટીમની પ્‍લેઈંગ ઈલેવનમાં ઓછામાં ઓછા સાત અમેરિકન ખેલાડીઓ હોવા જોઈએ. લીગ શરૂ થાય તે પહેલા જ અધિકારીઓને આની જાણ હતી. આટલું જ નહીં વિદેશી ખેલાડીઓને લીગમાં તક આપવા માટે અમેરિકાના ઈમિગ્રેશન નિયમો પણ તોડવામાં આવ્‍યા છે.

અમેરિકામાં સ્‍પોર્ટ્‍સ કેટેગરીના વિઝા માટે છ ટીમ માટે ઓછામાં ઓછા બે લાખ યુએસ ડોલરનો ખર્ચ થાય છે. જોકે, ઘણા ખેલાડીઓ સ્‍પોર્ટ્‍સ વિઝા પર લીગમાં ભાગ લેવા આવ્‍યા ન હતા. પૈસા બચાવવા માટે લેવામાં આવેલા આ પગલાથી લીગની મુશ્‍કેલીઓમાં પણ વધારો થયો છે.

ભારતના મહાન બેટિંગ લેજેન્‍ડ સચિન તેંડુલકરનું આ લીગ સાથે ખાસ જોડાણ છે. સચિન આ લીગના માલિકી જૂથનો ભાગ છે. પોતે આની જાહેરાત કરતાં તેણે કહ્યું, ક્રિકેટ મારા જીવનની સૌથી મોટી સફર રહી છે અને અમેરિકામાં આ રમત માટે આવા રોમાંચક સમયે નેશનલ ક્રિકેટ લીગમાં જોડાઈને હું ખુશ છું.

NCLમાં ક્રિકેટ જગતના ઘણા દિગ્‍ગજો સામેલ છે. તેમાં સુનીલ ગાવસ્‍કર, ઝહીર અબ્‍બાસ, વસીમ અકરમ, દિલીપ વેંગસરકર, સર વિવિયન રિચર્ડ્‍સ, વેંકટેશ પ્રસાદ, સનથ જયસૂર્યા, મોઈન ખાન અને બ્‍લેર ફ્રેન્‍કલિનનો સમાવેશ થાય છે. આ તમામ દિગ્‍ગજ  કોઈને કોઈ ટીમના કોચ અથવા માર્ગદર્શકની ભૂમિકા ભજવવાના હતા

(3:24 PM IST)