<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

કાલથી એડીલેડમાં ટીમ ઇન્‍ડિયાની પિંક બોલમાં કસોટી

રોહિત અને ગિલ રમશે : બેટીંગ ઓર્ડરમાં ફેરફાર : પડ્ડિકલ અને જુરેલનું પતુ કપાશેઃસવારે ૯.૩૦ વાગ્‍યાથી શરૂ થશે મેચ

નવી દિલ્‍હીઃ ભારત અને ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચેની બીજી ટેસ્‍ટ મેચ પિંક બોલથી એડીલેડમાં રમાશે. જેના માટે બંને ટીમો એડિલેડમાં જોરશોરથી પ્રેકટીસ કરી રહી છે. બીજી ટેસ્‍ટ મેચમાં ટીમ ઇન્‍ડિયાની પ્‍લેઇંગ ઇલેવનમાં પણ ઘણાં ફેરફાર જોવા મળશે. રોહિત શર્મા ફરી એકવાર ભારતીય ટીમની કમાન સંભાળશે. જયારે બીજી મેચમાંથી ત્રણ ખેલાડીઓને બહાર કરવામાં આવે તેવી શકયતા છે. ભારતીય સમય અનુસાર આવતીકાલે સવારે ૯:૩૦ વાગ્‍યાથી મેચ શરૂ થશે.

રોહિતશર્મા અને શુભમન ગિલ પ્રથમ ટેસ્‍ટ મેચમાં રમ્‍યા ન હતાં, પરંતુ હવે બંને ખેલાડીઓ પરત ફર્યા છે. જે બાદ એ નિヘીત માનવામાં આવે છે કે એડિલેડ ટેસ્‍ટમાંથી દેવદત પડ્ડીકલ અને ધ્રુવ જુરેલના કાર્ડ હટાવવામાં આવશે. પર્થ ટેસ્‍ટમાં આ બંને બેટસમેનોનું પ્રદર્શન કંઇ ખાસ રહયું ન હતું. તેથી સરફરાઝ ખાનને ફરી એકવાર પ્‍લેઇંગ ઇલેવનમાં તક મળે તેવું લાગતું નથી.

સરફરાઝને પર્થ ટેસ્‍ટમાંથી પણ બહાર રાખવામાં આવ્‍યો હતો, પરંતુ તે ૫ીએમ ઇલેવન સાથે રમાયેલી પિંક બોલની વોર્મ-અપ મેચમાં રમતા જોવા મળ્‍યો હતો.

પર્થ ટેસ્‍ટમાં રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ યશસ્‍વી જયસ્‍વાલ સાથે ઓપનિંગ કરતો જોવા મળ્‍યો હતો, પરંતુ હવે રોહિત શર્માની વાપસી બાદ રાહુલના બેટિંગ ઓર્ડરમાં ફરી ફેરફાર થઈ શકે છે. રાહુલ ફરી એકવાર મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો જોવા મળી શકે છે.

ટીમ ઈન્‍ડિયાએ આ સિરીઝની પ્રથમ મેચ ૨૯૫ રને જીતી લીધી હતી. જે બાદ ટીમ ઈન્‍ડિયાએ પાંચ મેચોની ટેસ્‍ટ સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપ ફાઈનલના દૃષ્ટિકોણથી ટીમ ઈન્‍ડિયા માટે આ સિરીઝ જીતવી ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. ભારતીય ટીમે આ સિરીઝ ઓછામાં ઓછા ૪-૦થી  જીતવી પડશે.

(2:46 PM IST)