તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 4th December 2024
અર્જુન તેંડુલકરને મોટો આંચકો લાગ્યો: ટીમમાંથી બહાર કરી દેવાયો
અર્જુનને સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ગોવા તરફથી 3 મેચ રમવાની તક મળી પરંતુ તે એકપણ મેચમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શક્યો ન હતો

મુંબઈ :અર્જુન તેંડુલકરને તાજેતરમાં જ મુંબઈ ઈન્ડિયન્સે તેમની ટીમમાં સામેલ કર્યો હતો. જો કે તેને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ગોવાની ટીમે તેને સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાંથી બહાર કરી દીધો છે. અર્જુન માટે આ એક મોટો ઝાટકો માનવામાં આવે છે. પોતાની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં, અર્જુને મુંબઈ તરફથી સ્થાનિક ટૂર્નામેન્ટ રમી હતી. પરંતુ બાદમાં તેણે ગોવાની ટીમ તરફથી રમવાનું શરૂ કર્યું. પરંતુ હવે તે ગોવાની ટીમમાંથી પણ બહાર છે.
અર્જુન તેંડુલકર વર્ષ 2022/23 સીઝનમાં ગોવાની ટીમ સાથે જોડાયો હતો. રણજી ટ્રોફી ઉપરાંત તે આ ટીમ સાથે વિજય હજારે અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમ્યો હતો. જોકે અર્જુન મોટે ભાગે કંઈ મોટી છાપ છોડી શક્યો ન હતો. જો કે, હવે બાકીની મેચો માટે અર્જુનને ગોવાની ટીમ દ્વારા દરવાજો દેખાડવામાં આવ્યો છે.
તાજેતરમાં, આ યુવા ઓલરાઉન્ડરને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા આઈપીએલની હરાજીમાં તેમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલા અને બીજા રાઉન્ડમાં વેચાયા વગરનો રહ્યો હતો. પરંતુ છેલ્લા રાઉન્ડમાં મુંબઈએ 30 લાખ ખર્ચીને તેને પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો.
અર્જુનને સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ગોવા તરફથી 3 મેચ રમવાની તક મળી હતી. પરંતુ તે એકપણ મેચમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શક્યો ન હતો. તે બેટિંગ અને બોલિંગ વિભાગમાં પણ ફ્લોપ રહ્યો હતો. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં અર્જુને મુંબઈ સામે 9 રન બનાવ્યા હતા અને બોલિંગમાં 48 રન ખર્ચ્યા બાદ એક પણ વિકેટ લીધી ન હતી. તો તે સર્વિસીસ સામે એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. આ સિવાય પોતાની છેલ્લી મેચમાં અર્જુન આંધ્ર સામે 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ ખેલાડીએ તેની છેલ્લી ત્રણ મેચમાં માત્ર 1 વિકેટ લીધી છે.
વર્ષ 2022માં જ અર્જુને ગોવા માટે ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ A અને T-20 ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી 17 ફર્સ્ટ ક્લાસ મેચમાં 37 વિકેટ અને 532 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 15 લિસ્ટ A મેચમાં 21 વિકેટ ઉપરાંત 62 રન બનાવ્યા છે. 24 ટી-20 મેચમાં યુવા ખેલાડીએ 27 વિકેટ લેવાની સાથે 119 રન બનાવ્યા છે.
વર્ષ 2023માં આ ખેલાડીએ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. આ સિઝનમાં અર્જુને 4 મેચમાં 3 વિકેટ ઝડપી હતી, જ્યારે IPL 2024માં અર્જુન 1 મેચમાં એક પણ સફળતા મેળવી શક્યો ન હતો.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
