<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

આઇપીએલમાં કરોડો કમાનારા ખેલાડીઓ ૧૦-૧ર મું પાસ, કોઇ છે એન્‍જિનિયર

મેગા ઓકશનમાં પ૭૭માંથી ૧૮ર ખેલાડીઓ વેચાયા હતા જેમાં ૬ર વિદેશી છે, ૧૦ ટીમોએ કુલ ૬૩૯ કરોડ ખર્ચ્‍યા ઋષભ પંત બી.કોમ, વેંકટેશન ઐય્‍યરે સીએ ની નોકરી કરી હતી, મોહમ્‍મદ શિરાજ ડીએસપી છે, ૧૩ વર્ષનો ટાબરીયો હર્ષ સૂર્યવંશી ધો. ૮ નો વિદ્યાર્થી

નવી દિલ્‍હીઃ આઇ.પી.એલના  મેગા ઓક્‍શનમાં ૫૭૭ ખેલાડીઓમાંથી માત્ર ૧૮૨ ખેલાડીઓ વેચાયા હતા જેમાંથી ૬૨ વિદેશી છે. ૧૦ ટીમોએ કુલ ૬૩૯.૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ વખતે આઇપીએલ ની હરાજીમાં રિષભ પંત (૨૭ કરોડ, લખનૌ સુપર જાયન્‍ટ્‍સ) સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. આ સિવાય બિહારના વૈભવ સૂર્યવંશી સૌથી નાની ઉંમરે (૧૩ વર્ષ) આઈપીએલ ટીમનો ભાગ બની ચર્ચામાં આવ્‍યો છે. આવો જાણીએ આઇપીએલમાં કરોડોની કમાણી કરનારા ભારતીય ખેલાડીઓ કેટલું ભણેલા છે?

૧. ઋષભ પંત : આ ખેલાડી આઇપીએલના  ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. લખનઉ સુપર જાયન્‍ટ્‍સે તેને ૨૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઋષભ પંતે ઉત્તરાખંડના દેહરાદૂનમાં સ્‍થિત ઈન્‍ડિયન પબ્‍લિક સ્‍કૂલમાંથી અભ્‍યાસ પૂર્ણ કર્યા બાદ દિલ્‍હી યુનિવર્સિટીની વેંકટેશ્વર કોલેજમાંથી બીકોમ ડિગ્રી મેળવી હતી.

૨. શ્રેયસ અય્‍યરઃ-  પંજાબ કિંગ્‍સે  તેને રૂ. ૨૬.૭ કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. શ્રેયસે તેનું સ્‍કૂલિંગ મુંબઈની ડોન બોસ્‍કો હાઈસ્‍કૂલમાંથી કર્યું હતું, મુંબઈની આર. એ. પોદ્દાર કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ ઈકોનોમિક્‍સમાંથી સ્‍નાતક થયો હતો..

૩. વેંકટેશ ઐયરઃ-  કોલકાતા નાઈટ રાઈડર્સે ૨૩.૭૫ કરોડમાં ખરીદ્યો છે. તેનું શાળાકીય શિક્ષણ સેન્‍ટ પોલ સ્‍કૂલમાંથી પૂર્ણ કર્યું હતું. બાદમાં રેનેસાં કોલેજમાંથી બીકોમ કર્યા બાદ ડીએવીવી માંથી ફાઈનાન્‍સમાં એમબીએ પણ કર્યું  હતું. વર્ષ ૨૦૧૬માં સીએ ઇન્‍ટરમીડિયેટની પરીક્ષા પણ પાસ કરી હતી. વર્ષ ૨૦૧૮માં તેને સીએની જોબ ઓફર પણ આવી હતી,  પરંતુ તેણે ક્રિકેટને પસંદ કર્યું.

૪. અર્શદીપ સિંહઃ-  લેફ્‌ટ આર્મ બોલર અર્શદીપ સિંહને પંજાબ કિંગ્‍સની ટીમમાં રૂ. ૧૮ કરોડમાં સામેલ કરવામાં આવ્‍યો છે. તેણે ગ્રેજ્‍યુએશન સુધીનો અભ્‍યાસ પૂર્ણ કર્યો છે. અર્શદીપ સિંહે એસડી કોલેજ-૩૨, ચંદીગઢમાંથી સ્‍નાતકની ડિગ્રી મેળવી હતી.  ગુરુ નાનક પબ્‍લિક સ્‍કૂલ (જીએનપીએસ)-૩૬, સેક્‍ટર-૩૬, ચંદીગઢની ક્રિકેટ એકેડમીમાંથી તાલીમ લીધી હતી.

૫. યુઝવેન્‍દ્ર ચહલઃ-  પંજાબ કિંગ્‍સે યુઝવેન્‍દ્ર ચહલને ૧૮ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તેણે ડીએવી પબ્‍લિક સ્‍કૂલમાંથી શાળાકીય અભ્‍યાસ પૂર્ણ કર્યો હતો.  વધુ અભ્‍યાસ માટે, તેમણે મહાત્‍મા ગાંધી કોલેજ ઓફ હેલ્‍થ સાયન્‍સ, હરિયાણામાં પ્રવેશ લીધો હતો. જ્‍યાંથી તેણે ગ્રેજ્‍યુએશન પૂર્ણ કર્યું. ક્રિકેટની સાથે યુઝવેન્‍દ્ર ચહલ રાષ્‍ટ્રીય સ્‍તરે ચેસ ચેમ્‍પિયન પણ છે.

૬. કેએલ રાહુલઃ- દિલ્‍હી કેપિટલ્‍સ ટીમે રૂ. ૧૪ કરોડમાં કેએલ રાહુલને ખરીદ્યો છે. તેણે એનઆઈટીકેમાં હાઈસ્‍કૂલનો અભ્‍યાસ પૂર્ણ કર્યા બાદ ક્રિકેટ માટે બેંગલુરુ શિફ્‌ટ થયો હતો, જ્‍યાંથી તેણે બેચલર્સ ઑફ કોમર્સ કર્યું.

૭. મોહમ્‍મદ સિરાજઃ-  આ ખેલાડીને ગુજરાત ટાઇટન્‍સે રૂ. ૧૨.૨૫ કરોડમાં ખરીદ્યો છે. અત્‍યંત ગરીબ પરિવારમાંથી આવતા મોહમ્‍મદ સિરાજે ૧૨ ધોરણ સુધી અભ્‍યાસ કર્યો છે. તેના પિતા ઓટો રિક્ષા ચલાવતા હતા. જોકે, પોતાની પ્રતિભાથી ક્રિકેટમાં નામ કમાયા બાદ તેલંગાણા સરકારે સિરાજને સન્‍માનિત કરતાં સ્‍પોર્ટ્‍સ ક્‍વોટા હેઠળ તેલંગાણા પોલીસમાં ડીએસપીનું પદ આપ્‍યું છે. સિરાજની પોસ્‍ટિંગ હૈદરાબાદમાં છે.

૮. મોહમ્‍મદ શમીઃ-   સનરાઇઝર્સ હૈદરાબાદે ૧૦ કરોડ રૂપિયામાં મોહમ્‍મદ શમીને ખરીદ્યો છે. મોહમ્‍દ શમી  ૧૦ ધોરણ સુધી જ ભણ્‍યો છે.  તેણે મુરાદાબાદની આમિર હસન ખાન પીજી કોલેજમાં એડમિશન લીધું હતું, પરંતુ રમતગમતને કારણે અભ્‍યાસ છોડી દીધો હતો. તે માત્ર ૧૫ વર્ષની ઉંમરે ક્રિકેટ એકેડમીમાં જોડાયો અને ક્રિકેટ પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું.

૯. રવિચંદ્રન અશ્વિનઃ-  સ્‍પિનર બોલર રવિચંદ્રન અશ્વિનને રૂ. ૯.૭૫ કરોડમાં ચેન્નઈ સુપર કિંગ્‍સની ટીમમાં સામેલ કરવામાં આવ્‍યો છે. તેણે પદ્મ શેષાદ્રી બાલા ભવન અને સેન્‍ટ બેડ્‍સ એંગ્‍લો ઈન્‍ડિયન હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાંથી શાળાકીય અભ્‍યાસ કર્યો હતો. બાદમાં એએસએન કોલેજ ઓફ એન્‍જિનિયરિંગમાંથી ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીમાં બીટેક કર્યું  હતું. જો તે ક્રિકેટર ન બન્‍યો હોત તો આઈટી એન્‍જિનિયર તરીકે કામ કરતો હોત.

૧૦. હર્ષલ પટેલઃ-  ફાસ્‍ટ બોલર હર્ષલ પટેલને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. ૮ કરોડમાં ખરીદ્યો છે. તેણે અમદાવાદની ખાનગી શાળામાંથી શાળાકીય અભ્‍યાસ પૂર્ણ કર્યા બાદ અમદાવાદની એચએ કોલેજ ઓફ કોમર્સમાંથી બીકોમ કર્યું હતું.

૧૧. રાહુલ ત્રિપાઠી :- રૂ. ૩.૪૦ કરોડમાં ચેન્નઈ સુપર કિંગ્‍સ ટીમ સાથે જોડાયો છે. હાલમાં તેના ભણતર વિશે વધુ માહિતી મળી નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્‍સમાં કહેવામાં આવ્‍યું છે કે રાહુલ ત્રિપાઠીએ આર્મી સ્‍કૂલમાંથી અભ્‍યાસ કર્યો છે. તે એન્‍જીનિયર બનવા માંગતો હતો પરંતુ ક્રિકેટ પ્રત્‍યેના તેના જુસ્‍સાએ તેને ક્રિકેટર બનાવી દીધો. તેના પિતા અજય ત્રિપાઠી ભારતીય સેનામાં છે અને તે પણ ક્રિકેટર રહી ચૂકયા છે.

૧૨. અજિંકય રહાણે :-  અજિંકય રહાણેને કોલકાતા નાઈટ રાઈડર્સે  રૂ. ૧.૫૦ કરોડમાં ખરીદ્યો છે. તેણે મુંબઈની એક યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્‍નાતકની ડિગ્રી મેળવી છે.

૧૩. વૈભવ સૂર્યવંશીઃ-  માત્ર ૧૩ વર્ષના વૈભવ સૂર્યવંશીને રાજસ્‍થાન રોયલ્‍સ ટીમે રૂ. ૧.૧૦ કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તે  બિહારના સમસ્‍તીપુરનો વતની છે અને તાજપુર બિહારની મુક્‍તેશ્વર સિંહા મોડેસ્‍ટી સ્‍કૂલમાં ૮માં ધોરણનો વિદ્યાર્થી છે.

(2:30 PM IST)