તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th November 2024
ચેમ્પીયન્સ ટ્રોફી તો પાકિસ્તાનમાં જ રમાશે, ભારતને વાંધો હોય તો અમારી સાથે વાત કરે : મોહસીન નકવી
પીસીબીના અધ્યક્ષે વિવાદ છેડયો, કહયું રમત અને રાજકારણને એકબીજામાં દાખલ ન કરવી જોઇએ

નવી દિલ્હી : આગામી સમયમાં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ કહ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી યોજના અનુસાર પાકિસ્તાનમાં જ યોજાશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, જો ભારતને કોઈ વાંધો હોય તો તે પીસીબી સાથે વાત કરીને ઉકેલ શોધી શકે છે.
નકવીએ કહ્યું કે, પાકિસ્તાનનું ગૌરવ અને સન્માન અમારી પ્રાથમિકતા છે. ચેમ્પિયન્સ ટ્રોફી આપણા દેશમાં જ યોજાશે. અમે હાઇબ્રિડ મોડલ સ્વીકારીશું નહીં. જો ભારતને કોઈ સમસ્યા હોય તો તે અમારી પાસે વાત કરી શકે છે, અને અમે તેનો ઉકેલ લાવીશું. અમે અમારી વાત પર મક્કમ છીએ. અમે આઇસીસી શકય તેટલી વહેલી તકે શિડ્યૂલ જાહેર કરે તેની રાહ જોઈ રહ્યા છીએ.
નકવીએ આઇસીસીને વિનંતી કરી હતી કે, આઇસીસીએ તેની વિશ્વસનીયતાનું ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે તે વૈશ્વિક સ્તરે તમામ દેશોની ક્રિકેટ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. કાર્યક્રમને ફરીથી તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ અમને કાર્યક્રમ રદ કરવાની કોઈ સૂચના મળી નથી. હું હજુ પણ માનું છું કે રમત અને રાજકારણે એકબીજામાં દખલ ન કરવી જોઈએ.
અહીં જણાવી દઈએ કે, પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે યજમાન બનાવવામાં આવ્યું છે. હાલમાં જ બીસીસીઆઇએ સ્પષ્ટતા કરી હતી કે, ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા પાકિસ્તાન નહીં જાય. બોર્ડે સુરક્ષાને ટાંકીને પાકિસ્તાન ન જવાની વાત કહી હતી. ત્યાર પછીથી પાકિસ્તાનની યજમાની પર ખતરો ઊભો થયો હતો. અને બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માટે ભારતીય ટીમ માટે હાઇબ્રિડ મોડલની માંગણી કરી હતી
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
