તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th November 2024
છેલ્લી ઓવરમાં રપ રન જોતા હતા, આફ્રિકા ૧૩ રન જ બનાવી શકયું : અર્શદીપ-તિલક મેચનો હિરો..
તિલક વર્માની અણનમ સદીની મદદથી ભારતે ૬ વિકેટ ર૧૯ રન બનાવ્યાઃ ર-૧ થી આગળ, શુક્રવારે છેલ્લો મેચ

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ યજમાન ટીમને ૧૧ રને હરાવીને ૪ મેચની સીરીઝમાં ૨-૧ની લીડ મેળવી લીધી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે છેલ્લી ઓવરમાં ૨૫ રનની જરૂર હતી. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે મેચની છેલ્લી ઓવરમાં ૧૩ રન આપ્યા અને માર્કો જાનસેનને આઉટ કરીને ભારતને જીત અપાવી. જ્યારે યાનસેન બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એવું લાગતું હતું કે કદાચ મેચ ભારતના હાથમાંથી સરકી જશે પરંતુ અર્શદીપે છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરીને મેચ પલટી દીધી.
મેચની છેલ્લી ઓવરના પહેલા બોલ પર અર્શદીપ સિંહને ગેરાલ્ડ કોએત્ઝીએ લેગ બાય કરીને એક રન પૂરો કર્યો. માર્કો યાનસેને બીજા બોલ પર સિક્સર ફટકારી દીધી. આ સાથે જ યાનસેને પોતાની ફિફ્ટી પણ પૂરી કરી. યાનસેને ૧૬ બોલમાં ફિફ્ટી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ટી૨૦માં આ બીજી સૌથી ઝડપી અડધી સદી હતી. આ પછી અર્શદીપે ત્રીજા બોલ પર યાનસેનને એલબીડબલ્યુ આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી હતી. સિમિલાને ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. સિમિલાને પાંચમા બોલ પર એક રન બનાવ્યો અને ગેરાલ્ડ કોએત્ઝીને સ્ટ્રાઇક આપી. કોએત્ઝીએ છેલ્લા બોલ પર માત્ર એક રન બનાવ્યો હતો.
ભારતે પ્રથમ બેટિંગ કરવા માટે ૬ વિકેટે ૨૧૯ રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ૭ વિકેટે ૨૦૮ રન જ બનાવી શકી હતી.
પ્લેયર ઓફ ધ મેચ બનેલા ૨૨ વર્ષના તિલક વર્માએ ૧૦૭ રનની અણનમ ઇનિંગમાં સાત સિક્સર અને આઠ ફોર ફટકારી. તેની ઇનિંગ્સની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામે ટી-૨૦ ફોર્મેટમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો. ખરાબ ફોર્મમાંથી બહાર આવી રહેલા અભિષેકે ૨૫ બોલમાં પાંચ છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી ૫૦ રન બનાવ્યા. તિલક આત્મવિશ્વાસ સાથે રમ્યા અને મેદાનની ચારે બાજુ સ્ટ્રોક માર્યા. તેણે અભિષેક સાથે બીજી વિકેટ માટે ૧૦૭ રન જોડ્યા. આ પહેલા સંજુ સેમસન ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો.
ટીમ ઇન્ડિયા તરફથી અર્શદીપે ૩, વરૂણ ચક્રવર્થી એ ર અને અક્ષર પટેલે ૧ વિકેટ લીધી હતી. સીરીઝનો અંતિમ મેચ શુક્રવારે રમાશે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
