તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th November 2024
ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી
40 વર્ષીય સાહાએ 17 વર્ષ બાદ પોતાની કારકિર્દીને અલવિદા કરવાનો નિર્ણય કર્યો રિદ્ધિમાન સાહાએ 40 ટેસ્ટ મેચોની 56 ઇનિંગ્સમાં 1353 રન બનાવ્યા જેમાં 3 સદી અને 6 અડધી સદી સામેલ

મુંબઈ : તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાને ટેસ્ટ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડના હાથે 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, ભારતમાં રણજી ટ્રોફીની નવી સિઝન રમાઈ રહી છે, આ દરમિયાન ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે
. 40 વર્ષીય સાહાએ 17 વર્ષ બાદ પોતાની કારકિર્દીને અલવિદા કરવાનો નિર્ણય કર્યો છે. શાનદાર વિકેટકીપરે 2007માં બંગાળ તરફથી રમતા ડેબ્યૂ કર્યું હતું અને તેણે નક્કી કર્યું હતું કે તેની છેલ્લી મેચ પણ તેના રાજ્ય માટે જ હશે. સાહા રણજી ટ્રોફી 2024-25ની વર્તમાન સિઝનની સમાપ્તિ પછી ક્રિકેટ છોડી દેશે અને તેની બીજી ઇનિંગ શરૂ કરશે.
સાહાએ પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું, “ક્રિકેટની શાનદાર સફર પછી, આ સીઝન મારી છેલ્લી હશે. હું નિવૃત્તિ લેતાં પહેલાં છેલ્લી વખત બંગાળ માટે રમવાનું સન્માન અનુભવું છું. હું સંન્યાસ લેતા પહેલા માત્ર રણજી ટ્રોફી રમીશ. ચાલો આ સિઝનને યાદગાર બનાવીએ!”
રિદ્ધિમાન સાહાએ ટીમ ઈન્ડિયા માટે 40 ટેસ્ટ અને 9 વનડે મેચ રમી છે. રિદ્ધિમાને 40 ટેસ્ટ મેચોની 56 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 1353 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 6 અડધી સદી સામેલ છે. આ સિવાય આ ખેલાડીએ 9 ODI મેચની 5 ઇનિંગ્સમાં 41 રન બનાવ્યા હતા. આ સિવાય સાહાએ 138 ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમી છે. જેમાં તેના નામે 14 સદી અને 43 અડધી સદી સાથે 7013 રન છે.ઋદ્ધિમાન સાહા રાંજી સિઝનના અંતમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે.
તેના IPL કરિયરની વાત કરીએ તો રિદ્ધિમાન સાહા છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત ટાઇટન્સ ટીમ તરફથી રમ્યા છે.. IPL 2024 બાદ આ ખેલાડીએ ગયા મહિને રણજી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ સામે મેચ રમી હતી. જો કે, રિદ્ધિમાન આ મેચમાં વધુ કંઈ કરી શક્યા ન હતા અને 6 બોલનો સામનો કર્યા પછી તે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. રિદ્ધિમાન સાહા આઈપીએલમાં 170 મેચ રમ્યા છે. જેમાં તેના નામે 2934 રન છે. આ દરમિયાન રિદ્ધિમાને એક સદી અને 13 અડધી સદી ફટકારી હતી. IPL ઈતિહાસમાં રિદ્ધિએ 296 ફોર અને 87 સિક્સર ફટકારી છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
