<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

ઋદ્ધિમાન સાહા એ નિવૃત્તિ જાહેર કરી

2010 થી 2021 ભારત માટે 40 ટેસ્ટ અને 9 વનડે રમ્યો છે, જોકે ટી 20 મેચ રમવાનો ચાન્સ મળ્યો નથી

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરિઝ રમી હતી. જ્યાં ટીમ ઈન્ડિયાને 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરિઝ દરમિયાન ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. આ દરમિયાન ટીમ ઈન્ડિયા તરફથી રમતા એક સ્ટાર વિકેટકીપરે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ ખેલાડી લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમ માટે રમ્યો છે.
આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ઋદ્ધિમાન સાહા છે. ઋદ્ધિમાન સાહાએ જાહેરાત કરી છે કે તે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે.
જો આપણે ઋદ્ધિમાન સાહાની કારકિર્દી પર નજર કરીએ તો તેણે 2010 થી 2021 દરમિયાન ભારત માટે 40 ટેસ્ટ મેચ રમી છે. આ સિવાય તેણે ટીમ ઈન્ડિયા માટે 9 ODI મેચોમાં પણ ભાગ લીધો છે. જોકે, તેને ક્યારેય T20 ઈન્ટરનેશનલ રમવાની તક મળી નથી. ઋદ્ધિમાન સાહાએ ભારત માટે 40 ટેસ્ટ મેચમાં 29.41ની એવરેજથી 1353 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 117 રન હતો. તે વનડેમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે ટીમ ઈન્ડિયા માટે 9 ODI મેચમાં માત્ર 41 રન બનાવ્યા. જો કે તેની આઈપીએલ કારકિર્દી ખૂબ જ શાનદાર રહી હતી.
ઋદ્ધિમાન સાહા આઈપીએલમાં પાંચ ટીમો તરફથી રમ્યો હતો. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સના નામ સામેલ છે. તેણે આ પાંચ ટીમો માટે રમતી વખતે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. IPLમાં તેણે 170 મેચમાં 2934 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 127.56 રહ્યો છે. સાહા ઘરેલુ ક્રિકેટમાં બંગાળની ટીમ માટે રમે છે. હાલમાં તે રણજીમાં ભાગ લઈ રહ્યો છે. જે તેની છેલ્લી ટૂર્નામેન્ટ બનવા જઈ રહી છે. આ સિવાય અહેવાલો એ પણ સામે આવ્યા છે કે તે IPL 2025ની હરાજીમાં ભાગ નહીં લે.
નિવૃત્તિ પર મોટું નિવેદન આપ્યું
ઋદ્ધિમાન સાહાએ કહ્યું કે ક્રિકેટમાં શાનદાર સફર બાદ આ સિઝન મારી છેલ્લી સિઝન હશે. મને બંગાળનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મળ્યું છે. નિવૃત્તિ પહેલા હું માત્ર રણજી ટ્રોફી રમીશ. આ અદ્ભુત પ્રવાસનો ભાગ બનેલા દરેકનો આભાર, તમારા સમર્થનનો અર્થ ઘણો છે. ચાલો આ સિઝનને યાદગાર બનાવીએ...

 

(11:09 AM IST)