<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

શમી હજુ ૧૦૦ ટકા ફીટ નથી, તેના ઘુંટણમાં સોજો છે, ઓસ્‍ટ્રેલીયા સામેની સિરીઝમાં પસંદગી નહીં!

લાંબા સમય સુધી મેદાનની બહાર રહ્યા બાદ અચાનક કમબેક કરીને બેસ્‍ટ પરફોર્મ કરવું આસાન નથીઃ રોહિત

નવી દિલ્‍હી તા. ૧૬: ભારતીય ટીમ આવતા મહિને પાંચ ટેસ્‍ટ-મેચની સિરીઝ માટે ઓસ્‍ટ્રેલિયા જવાની છે. આ સિરીઝ પહેલાં પેસ બોલર મોહમ્‍મદ શમી સંપૂર્ણ ફિટ થઇ જાય અને ટીમને ઓસ્‍ટ્રેલિયામાં જસપ્રીત બુમરાહ સાથે મળીને સિરીઝ જીતની હેટ-ટ્રિક કરાવી આપે એવી આશા સૌ રાખી રહ્યા છે. જોકે કેપ્‍ટન રોહિત શર્માએ આપેલા આ વિશેના અપડેટને લીધે શમીના ચાહકોમાં નિરાશા છવાઇ ગઇ છે.

પ્રમાણિકતાથી કહું તો શમી વિશે હાલ તરત કંઇ જણાવવું મુશ્‍કેલ છે એમ કહીને રોહિતે કહ્યું કે ‘તે ઓસ્‍ટ્રેલિયા સિરીઝ પહેલાં ફિટ થઇ જશે કે નહીં એ કહી શકાય નહીં. તે ૧૦૦ ટકા ફિટ થવા તરફ આગળ વધી રહ્યો હતો. પણ તેના ઘૂંટણમાં સોજો છે. આ તદ્દન અસામાન્‍ય છે જેને લીધે તેના સમયસર સાજા થવા વિશે પ્રશ્‍નાર્થ મૂકી દીધો છે. તેણે ફરીથી શરૂઆત કરવી પડશે.

અત્‍યારે તે બેન્‍ગલોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ફિઝિયો અને ડોકટરોની ટીમ સાથે મહેનત કરી રહ્યો છે. અમે આશા રાખી રહ્યા છીએ કે તે ૧૦૦ ટકા ફિટનેસ પાછી મેળવી લે પણ અમે અડધા અધૂરા ફિટનેસવાળા શમીને ઓસ્‍ટ્રેલિયા નથી લઇ જવા માંગતા. એ યોગ્‍ય પણ નહીં હોય. ફાસ્‍ટ બોલર માટે લાંબો સમય સુધી મેદાનની બહાર રહ્યા બાદ અચાનક કમબેક કરીને તરત જ બેસ્‍ટ પર્ફોર્મ કરવું આસાન નથી હોતું.' (૭.ર૩)

(2:53 PM IST)