<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

આઇસીસીની નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર : રોહિત-કોહલીને નુકસાન, પંતને ફાયદો

રિષભ પંત છઠ્ઠા સ્થાને પહોંચી ગયો

નવી દિલ્હી : આઈસીસી દ્વારા ટેસ્ટ રેન્કિંગ બહાર જાહેર કરવામાં આવ્યા છે જેમાં રોહિત-કોહલીને નુક્સાન થયું છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ બાદ  રોહિત શર્મા અને કોહલીને નુકસાન પહોંચ્યું છે જ્યારે લાંબા સમય બાદ વાપસી કરેલા રિષભ પંતને જોરદાર ફાયદો થયો છે. તાજા રેન્કિંગ પ્રમાણે પંત છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.
આઈસીસી દ્વારા જાહેર કરાયેલા નવા રેન્કિંગ પ્રમાણે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને બેટર વિરાટ કોહલીને પાંચ-પાંચ સ્થાનનું નુકસાન થયું છે. વર્ષ 2022માં ડિસેમ્બર માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ પંતે તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વાપસી કરી હતી. આ દરમિયાન તેણે પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. 26 વર્ષીય બેટરે બીજી ઈનિંગમાં જોરદાર સદી ફટકારી હતી. આ રીતે 731 પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. પંત ઉપરાંત યુવા બેટર યશસ્વી જયસ્વાલને એક સ્થાનનો ફાયદો થયો છે. તે 751 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને પહોંચી ગયો હતો.

ICC દ્વારા આજે જાહેર કરવામાં આવેલી ટેસ્ટ રેન્કિંગમાં ટોચના ચાર સ્થાનોમાં કોઈ ફેરફાર થયો નથી. ઈંગ્લેન્ડનો સ્ટાર બેટર જો રૂટ 899 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ન્યુઝીલેન્ડનો સ્ટાર બેટર કેન વિલિયમસન 852 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ પછી ડેરીલ મિશેલ 760 પોઈન્ટ સાથે અને સ્ટીવ સ્મિથ 757 પોઈન્ટ સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે.બુમરાહ-જાડેજાને પણ થયો ફાયદો

નવી રેન્કિંગમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એક સ્થાનના ફાયદા સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે ચેન્નાઈ ટેસ્ટમાં કુલ પાંચ વિકેટ ઝડપી હતી. આ યાદીમાં બાંગ્લાદેશ સામે છ વિકેટ ઝડપનાર અનુભવી ઓફ સ્પિનર ​​અશ્વિન 871 પોઈન્ટ સાથે ટોચ પર છે. આ ઉપરાંત અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ એક સ્થાનનો ફાયદો થયો છે. અને તે 804 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. ટોપ 10માં ભારતના માત્ર આ ત્રણ ખેલાડીઓ સામેલ છે.

(6:41 PM IST)