તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામેની શ્રેણી પહેલા નવો બોલિંગ કોચ મળ્યો : મોર્ને મોર્કેલ ભારતીય ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ તરીકે જોડાયા : જય શાહે જાહેરાત કરી
મોર્કેલ ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન પાકિસ્તાની ટીમના કોચ હતા : અગાઉ સાઈરાજ બહુતુલેને શ્રીલંકા પ્રવાસ માટે વચગાળાના બોલિંગ કોચ બનાવવામાં આવ્યા હતા

નવી દિલ્હી : મોર્ને મોર્કેલ ભારતીય ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ તરીકે જોડાયા છે. અગાઉ તેમના નામની ખૂબ ચર્ચા થઈ હતી. મોર્કેલ આઈપીએલમાં ગૌતમ ગંભીર સાથે કામ કરી ચૂક્યો છે. મોર્કેલ ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ તરીકેનો કાર્યકાળ બાંગ્લાદેશ સામેની આગામી ટેસ્ટ શ્રેણી સાથે શરૂ કરશે.
મોર્કેલ ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન પાકિસ્તાની ટીમના કોચ હતા. જો કે, તેમણે તેમના કરારની મુદત પૂરી થાય તે પહેલાં તેમનું પદ છોડી દીધું હતું. વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું પ્રદર્શન સારું નહોતું અને તે સેમીફાઈનલમાં જગ્યા બનાવી શક્યું ન હતું. તે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022 દરમિયાન નામીબિયાના કોચિંગ સ્ટાફ સાથે પણ સંકળાયેલો હતો. આ સિવાય તે દક્ષિણ આફ્રિકાની SA20 લીગમાં ડરબન સુપર જાયન્ટ્સનો કોચ રહી ચૂક્યો છે.
મોર્કેલે 86 ટેસ્ટ મેચમાં 309 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 27.66 રહી છે. આ સમયગાળા દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 23 રન આપીને 6 વિકેટ રહ્યું છે. તેણે આઠ વખત 5 વિકેટ લીધી છે. જો વનડે કરિયરની વાત કરીએ તો તેણે 117 મેચમાં 188 વિકેટ ઝડપી છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 25.32 રહી છે. તેણે 44 T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 47 વિકેટ લીધી હતી.
આઈપીએલમાં તેણે ગૌતમ ગંભીર સાથે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાં કામ કર્યું છે. તે લખનૌ સુપર જાયન્ટ્સનો બોલિંગ કોચ હતો. જ્યારે ગૌતમ ગંભીર કેકેઆરનો કેપ્ટન હતો ત્યારે મોર્કેલ ટીમનો ભાગ હતો. 2018માં IPLમાંથી નિવૃત્તિ લીધા બાદ મોર્કેલે કોચિંગ શરૂ કર્યું હતું.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
