<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

શમીએ એક વખતે આત્‍મહત્‍યા કરવાનો પણ વિચાર કર્યો હતોઃ મિત્રએ કર્યો ખુલાસો

મેચ ફિકસીંગનો આરોપ લાગ્‍યા બાદ તે સાવ ભાંગી ગયો હતો

નવી દિલ્‍હીઃ મોહમ્‍મદ શમી હાલના દિવસોમાં ભારતના શ્રેષ્ઠ બોલરોમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ તેમની આ સફર ઘણી કપરી રહી છે. છેલ્લા ત્રણ વનડે વર્લ્‍ડ કપમાં ભારત માટે સૌથી વિકેટ લેનારો બોલર છે. શાનદાર પ્રદર્શન કરનારા શમીની અંગત લાઈફ ખુબ જ પડકારોભરી રહી છે. ક્‍યારેક પરિવારમાં તણાવ તો ક્‍યારેક ઈજાથી શમી હેરાન પરેશાન રહ્યો છે.

શમીના મિત્ર ઉમેશ યાદવે શુભાંકર મિશ્રાના પોડકાસ્‍ટમાં ખુલાસો કર્યો કે એક સમયે શમીએ આત્‍મહત્‍યા કરવાનું વિચાર્યું હતું.  ઉમેશે પોડકાસ્‍ટમાં કહ્યું કે તે દૌરમાં શમી દરેક ચીજ સામે લડી રહ્યો હતો, તે મારી સાથે મારા ઘરમાં રહેતો હતો, પરંતુ જયારે પાકિસ્‍તાન સાથે મેચ ફિક્‍સિંગનો આરોપ લાગ્‍યો અને તે રાતે તપાસ શરૂ થઈ તો તે તૂટી ગયો. તેણે કહ્યું હતું કે હું બધુ જ સહન કરી શકું છું પરંતુ દેશદ્રોહના આરોપો નહીં.

ઉમેશે વધુમાં કહ્યું કે સમાચારોમાં એવું પણ આવ્‍યું હતું કે તે કોઈ આકરું પગલું લેવા માંગતો હતો. તે આત્‍મહત્‍યા કરવા માંગતો હતો. સવારે લગભગ ચાર વાગે જયારે હું પાણી પીવા માટે ઉઠ્‍યો અને રસોડા તરફ જઈ રહ્યો હતો ત્‍યારે મે જોયું કે તે બાલકનીમાં ઊભો છે. અમે ૧૯માં ફલોર પર રહેતા હતા. હું સમજી ગયો કે શું થયું છે. મને લાગે છે કે શમીની કરિયરની એ સૌથી લાંબી રાત હતી. એક દિવસ જયારે અમે વાત કરતા હતા ત્‍યારે તેનો ફોન પર એક મેસેજ આવ્‍યો કે તપાસ કરી રહેલી સમિતિએ તેને ક્‍લીન ચિટ આપી છે. કદાચ તે દિવસે તે વિશ્વ કપ જીતવા કરતા પણ વધુ ખુશ હતો. 

(4:37 PM IST)