<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

ટીમ ઇન્ડિયા સાંજે બાર્બાડોસથી રવાના, કાલે દિલ્હી લેન્ડ કરશે

સૂર્યા બાદ યશસ્વી જયસ્વાલે પણ સોશ્યલ મીડિયામાં તોફાની પવનનો વિડીયો શેર કર્યો જય શાહ પણ ટીમની સાથે જ છે, તેણે કહ્યુ અમે ચાર્ટર પ્લેનનું સંચાલન કરનારાઓના સંપર્કમાં છીએ, ફલાઇટ સંચાલન શરૂ કરવા માટે પવનની ગતિ ઓછી હોવી જોઇએ, તમે પ્રકૃતિ સામે લડી શકો નહીં, આપણે રાહ જોવાની જરૂર છે

નવી દિલ્હી,તા. ૨: ટીમ ઈન્ડિયા એક મોટી મુશ્કેલીમાં મૂકાઈ છે. કારણ કે ચક્રવાત બેરિલના એલર્ટના પગલે તમામ ફલાઈટ ત્યાં રદ કરાઈ છે. ઙ્ગભારતીય ખેલાડીઓની દેશમાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે પરંતુ ચક્રવાત બેરિલના કારણે ટીમ બાર્બાડોસથી નીકળી શકતી નથી. હવે આ મામલે લેટેસ્ટ અપડેટ એ આવ્યા છે કે બાર્બાડોસમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ખુબ વરસાદના કારણે ત્યાં કરફયૂ લાગેલો છે.

ભારતીય ટીમ ગઇકાલે સોમવારે દુબઈ માટે બાર્બાડોસથી ન્યૂયોર્ક જવાની હતી અને પછી દુબઈથી ભારત પાછી ફરવાની હતી. પરંતુ ભારે પવનના કારણે ટીમ ઈન્ડિયા ત્યાંથી નીકળી શકી નથી. લેટેસ્ટ અપડેટ મુજબ બાર્બાડોસમાં ખુબ પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદના પગલે વીજળી અને વોટર સપ્લાય પણ પ્રભાવિત થયા છે. ભારતીય ટીમ હાલ હોટલમાં હિલ્ટનમાં ફસાયેલી છે. ઙ્ગપરંતુ છેલ્લે મળતી માહિતી મુજબ ભારતીય ટીમ આજે  મંગળવારે બાર્બાડોસના સ્થાનિક સમય મુજબ સાંજે ૬ વાગે રવાના થશે અને ભારતમાં બુધવારે સાંજે ૭.૪૫ વાગે દિલ્હીમાં લેન્ડ કરશે.દરમિયાન ભારતના સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવે સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે જેમાં સમુદ્રના કિનારે ભારે પવન ફૂંકાતો જોઈ શકાય છે. વીડિયો સાથે સ્કાઈએ એક ફિલ્મનો ડાઈલોગ લખ્યો છે કે હવા તેજ ચાલી રહી છે દિનકર રાવ ટોપી સંભાલો. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલે પણ સ્ટોરી પર તેજ હવાનો એક વીડિયો શેર કર્યો છે.ઙ્ગપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ રોબિન સિંહ પણ હાલ બાર્બાડોસમાં છે. તેઓ પણ તોફાન બેરિલના કારણે હોટલમાં ફસાયા છે. તેમણે સોશિયલ મીડિયામાં બાર્બાડોસમાં પોતાની હોટલથી કેટલાક વીડિયો પણ શેર કર્યા છે. તેમણે કહ્યું કે પવન એટલો વધી ગયો છે કે તે ભયાનક થઈ ગયો છે. અમને અમારા રૂમમાં જવાનું કહેવાયું છે. ટીમ ઈન્ડિયાએ બ્રેકફાસ્ટ કરી લીધો છે.

ટીમ ઈન્ડિયા સાથે બીસીસીઆઈ સચિવ જય શાહ પણ ફાઈનલ બાદથી બાર્બાડોસમાં જ છે. તેમણે આ મુદ્દે લેટેસ્ટ અપડેટ આપી હતી. તેમણે કહ્યું કે, અમે સોમવાર માટે એક ચાર્ટર ફલાઈટની કોશિશ કરી રહ્યા હતા. એરપોર્ટ બંધ હોવાના કારણે તે વિકલ્પ લગભગ બંધ થઈ ચૂકયો છે. અમે ચાર્ટર પ્લેનનું સંચાલન કરનારાઓના સંપર્કમાં છીએ પરંતુ હાલની સ્થિતિમાં કોઈ વિમાન અહીં ઉતરી શકે તેમ નથી કે ઉડાણ ભરી શકે તેમ નથી. અમે અમેરિકા કે યુરોપમાં ઈંધણ ભર્યા બાદ સીધા ભારત માટે ઉડાણ ભરવાનો પ્લાન કરી રહ્યા છીએ. પરંતું આજે મંગળવાર બપોર સુધી એરપોર્ટ બંધ રહે તેવી શકયતા છે. જો હવામાનમાં સુધારો થશે તો તે તેના પહેલા પણ ખુલી શકે છે. ફલાઈટ સંચાલન શરૂ કરવા માટે પવનની ગતિ ઓછી હોવી જોઈએ. તમે પ્રકૃતિ સામે લડી શકો નહીં. આપણે રાહ જોવાની જરૂર છે.

(12:44 PM IST)