News of Saturday, 29th June 2024
ટીમ ઇન્ડિયા હોટફેવરીટઃ એક દાયકાના ટાઇટલના દુકાળનો અંત આજે આવશે !
૧૭ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ટી-૨૦ વર્લ્ડકપ ચેમ્પિયન ટીમ અનબીટેબલ હશે : રોહિત સેના હેડ કોચ રાહુલ દ્રવિડને યાદગાર ભેટ આપવા સજ્જઃ વરસાદના લીધે આજે મેચ ન રમાય તો આવતીકાલે રમાશે, જો કાલે પણ મેચ રમી શકવાની પરિસ્થિતી નહીં હોય તો બંને ટીમોને સંયુકત વિજેતા જાહેર કરવામાં આવશે : ક્રિકેટ ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૪ ફાઇનલ

૨૦ ટીમો વચ્ચે લગભગ એક મહિનાના ઘમસાણ પછી આજેᅠટી-૨૦ વર્લ્ડકપની નવમી સીઝનની ચેમ્પિયન ટીમ મળશે. બાર્બેડોઝમાં ભારતીય સમય અનુસાર સાંજે ૭.૩૦ વાગ્યે ટોસ બાદ ૮ વાગ્યાથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ શરૂ થશે. બન્ને ટીમોની ફાઇનલમાં અને બાર્બેડોઝમાં આ પહેલી ટક્કર થશે.
પહેલી વખત ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનાર સાઉથ આફ્રિકાની ટીમ ૧૯૯૮ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ એક પણ ટાઇટલ જીતી શકી નથી, જયારે ત્રીજી વખત ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનાર ભારતીય ટીમ ૨૦૧૩ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વધુ એક ટાઇટલ જીતવા આતુર છે. સાઉથ આફ્રિકન ટીમનો ટાર્ગેટ પ્રથમ વર્લ્ડ કપ જીતીને ચોકર્સના ટેગથી મુક્ત થવાનો હશે, જયારે ભારતીય ટીમ છેલ્લા એક દાયકાના ટાઇટલના દુકાળથી મુક્તિ મેળવવા ઊતરશે. માઇન્ડસેટ, અનુભવ અને હેડ-ટુ-હેડ રેકોર્ડને જોતાં ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવા માટે હોટ ફેવરિટ છે. બન્ને ટીમ ટી-૨૦ વર્લ્ડ કપમાં અજેય રહી છે. ટી-૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વખત એક અનબીટેબલ ટીમ ચેમ્પિયન બનશે.
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ચેમ્પિયનશિપ, ઓસ્ટ્રેલિયા સામે વન-ડે વર્લ્ડ કપ અને હવે સાઉથ આફ્રિકા સામે ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલ... ભારતીય ટીમ છેલ્લા ૧૨ મહિનામાં આજે આઇસીસી ટુર્નામેન્ટની ત્રીજી ફાઇનલ મેચ રમશે.
આજે અને રિઝર્વ -ડે પર વરસાદની શક્યતા
આજે બાર્બેડોઝમાં પવન સાથે ૭૫ ટકા વરસાદની સંભાવના છે. મેચ પુરી કરવા માટે ૧૯૦ મિનિટનો એકસ્ટ્રા ટાઇમ આપવામાં આવ્યો છે. મેચ ત્યારે પુરી ગણાશે.જ્યારે બંને ટીમ ઓછામાં ઓછી ૧૦-૧૦ ઓવરની મેચ રમી હોય. જો આજે વરસાદને કારણે ફાઇનલ રદ થશે તો આવતીકાલે ૩૦ જૂને રિઝર્વ -ડે પર મેચ રમાશે. જોકે આ દિવસે પણ વરસાદની શકયતાઓ વચ્ચે મેચ નહીં થાય તો બંને ટીમને સંયુકત વિજેતા જાહેર કરવામાં આવશે. જે આ ટી-૨૦ વર્લ્ડ કપ ઇતિહાસની પ્રથમ ઘટના હશે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
