તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
જો વરસાદ પડશે તો કાંગારૂઓ ટી-૨૦ વર્લ્ડકપમાંથી બહાર
આજે ટીમ ઇન્ડિયા વિ.ઓસ્ટ્રેલીયા વચ્ચે મુકાબલો જો કે વિકેટ પ્રેમીઓની ઇચ્છા ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલીયાને પછાડી વર્લ્ડકપની બે હારનો બદલો લે

ન્યુયોર્ક : ટી૨૦ વર્લ્ડ કપમાં સુપર ૮ મેચો રમાઈ રહી છે અને સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માટે બંને ગ્રુપમાં સામેલ ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. એવામાં હવે આજે એટલે કે ૨૪ જૂન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે જે સેમિફાઇનલના દૃષ્ટિકોણથી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અત્યાર સુધી ભારત સુપર ૮માં તેની બંને મેચ જીતીને ૪ પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ અફઘાનિસ્તાન સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાનો સેમીફાઈનલમાં જવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલમાં જવા માટે કાંગારૂ ટીમને હરાવી ખૂબ જ જરૂરી છે. એવામાં ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં વરસાદની સંભાવના છે, હવે આ સમાચાર સાંભળીને લોકોને એ પ્રશ્ન છે કે જો આ મેચ રદ થાય તો કઈ ટીમને આનો સૌથી વધુ ફાયદો થઈ શકે છે?
વરસાદને કારણે મેચ રદ્દ થવાના કિસ્સામાં ટીમ ઈન્ડિયાને ફાયદો થશે કારણ કે બંને ટીમને ૧-૧ પોઈન્ટ મળી રહેશે અને ટીમ ઈન્ડિયાના ૫ પોઈન્ટ થઈ જશે અને તે સેમીફાઈનલમાં જગ્યા નિશ્ચિત કરી લેશે, પરંતુ ઓસ્ટ્રેલિયાને ફટકો પડશે, કારણ કે ૧ પોઈન્ટ મેળવીને તે માત્ર ૩ પોઈન્ટ પર અટકી રહેશે. આવી સ્થિતિમાં જો અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે જીતશે તો તેને સેમિફાઇનલમાં સીધો પ્રવેશ મળશે અને ઓસ્ટ્રેલીયા ટુર્નામેન્ટની બહાર થઈ જશે. એવામાં જો આજનો મેચ વરસાદમાં ધોવાય ગયો તો ઓસ્ટ્રેલિયાની ટીમે આગામી રાઉન્ડમાં જવા માટે બાંગ્લાદેશની જીત માટે પ્રાર્થના કરવી પડશે.
સાથે જ સુપર ૮ રાઉન્ડમાં પણ વરસાદ માટે રિઝર્વ ડેની જોગવાઈ નથી. આવી સ્થિતિમાં, પરિણામ ત્યારે જ બહાર આવશે જ્યારે બંને ટીમ પોતપોતાના દાવમાં ઓછામાં ઓછી ૫-૫ ઓવર રમશે, નહીં તો બંને ટીમને ૧-૧ પોઈન્ટ વહેંચવામાં આવશે.
ટીમ ઇન્ડિયાના ફેન્સ ઈચ્છે છે કે ભારત ઓસ્ટ્રેલીયા ટીમને હરાવીને બદલો પૂરો કરે, કારણ કે ઓસ્ટ્રેલિયાએ ૨૦૨૩ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને હરાવ્યું હતું. તે પછી, ૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપ ફાઇનલમાં, ભારતને તેમની જ ધરતી પર છ વિકેટથી હરાવ્યું હતું. ભારતે અત્યાર સુધી અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે સુપર ૮માં પોતાની બંને મેચ જીતી છે અને ભારત હવે ટી-૨૦ વર્લ્ડ કપમાંથી ઓસ્ટ્રેલિયાને હરાવીને છેલ્લી બે મોટી હારનો બદલો લેવા પર નજર રાખશે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
