<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

રિઝવાન સહિત 13 ખેલાડીઓના પત્તાં કપાયાં, બાબર આઝમને બે ફોર્મેટમાં સ્થાન

પીસીબીએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની આખી વ્યવસ્થા બદલી નાખી; 38 ખેલાડીઓને કરાર, 19 યુવા ક્રિકેટરોને ડેવલપમેન્ટ કેટેગરીમાં તક

નવી દિલ્હી :પાકિસ્તાન ક્રિકેટમાં હવે જૂના ચહેરાઓના બદલે નવા ખેલાડીઓ પર ભરોસો મૂકવાની દિશામાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ વર્ષ 2026-27 માટે જાહેર કરેલા નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટાપાયે ફેરફાર કરતાં મોહમ્મદ રિઝવાન સહિત અગાઉના કરારમાં સામેલ 13 ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. આ નિર્ણયથી પાકિસ્તાન ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
પીસીબીએ અગાઉની કેટેગરી આધારિત વ્યવસ્થાના સ્થાને હવે ખેલાડીઓના ફોર્મેટ પ્રમાણે કરાર આપવાની નવી પદ્ધતિ અમલમાં મૂકી છે. નવા કરાર હેઠળ કુલ 38 ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ટેસ્ટ અને વન-ડે બંને ફોર્મેટના કરારમાં બાબર આઝમ અને સલમાન અલી આગા માત્ર બે ખેલાડીઓ છે.
રિઝવાન ઉપરાંત પૂર્વ ટેસ્ટ કેપ્ટન શાન મસૂદ, ઇમામ-ઉલ-હક, સૈમ અયુબ, હસન અલી, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ હારિસ, મોહમ્મદ નવાઝ અને નૌમાન અલી જેવા જાણીતા ખેલાડીઓ પણ નવા કરારમાં સ્થાન મેળવી શક્યા નથી. આમ, અગાઉના 30 ખેલાડીઓના કરારમાંથી 13 ખેલાડીઓ બહાર થયા છે.
નવી વ્યવસ્થામાં ટેસ્ટ કેટેગરીમાં ચાર, વન-ડે અને ટી-20 કેટેગરીમાં છ તથા માત્ર ટી-20 માટે સાત ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જ્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે ભવિષ્યની ટીમ તૈયાર કરવા માટે 19 યુવા ક્રિકેટરોને ડેવલપમેન્ટ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો આ નિર્ણય માત્ર કરારની યાદીમાં ફેરફાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ ટીમના ભવિષ્યના આયોજનમાં પણ મોટો બદલાવ સૂચવે છે. નવા ખેલાડીઓને તક આપવાની સાથે અનુભવી ખેલાડીઓ માટે પણ રાષ્ટ્રીય ટીમના દરવાજા સંપૂર્ણ બંધ થયા નથી. પીસીબીના જણાવ્યા પ્રમાણે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ન મળવાનો અર્થ ટીમમાં પસંદગી નહીં થાય એવો નથી.
નવા કરાર 30 જૂન 2027 સુધી અમલમાં રહેશે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો યુવા ખેલાડીઓ પરનો આ નવો દાવ મેદાન પર કેટલો સફળ સાબિત થાય છે.

(4:28 PM IST)