News of Wednesday, 25th November 2026
ટાટા IPL 2027 ઓક્શન માટે 1220 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન : 66 ખાલી સ્લોટ માટે લાગશે બોલી
939 ભારતીય અને 17 દેશોના 281 વિદેશી ખેલાડીઓ મેદાનમાં : ફ્રેન્ચાઈઝીઓ પાસે કુલ 295.60 કરોડનું પર્સ ઉપલબ્ધ : 4 ડિસેમ્બરે જાહેર થશે અંતિમ ઓક્શન લિસ્ટ

મુંબઈ : ટાટા IPL 2027 ના ખેલાડીઓની હરાજી માટે કુલ 1220 ખેલાડીઓએ ઓક્શન રજીસ્ટરમાં પોતાના નામ નોંધાવ્યા છે. બીસીસીઆઈના માનદ સચિવ દેવજીત સૈકિયા દ્વારા જારી કરાયેલી મીડિયા એડવાઈઝરી મુજબ, આ યાદીમાં 939 ભારતીય ખેલાડીઓ અને 17 દેશોના 281 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. તમામ ફ્રેન્ચાઈઝીઓ દ્વારા હરાજી પહેલા જ 184 ખેલાડીઓને રિટેન અથવા પસંદ કરી લેવામાં આવ્યા હોવાથી, હવે આગામી ઓક્શનમાં મહત્તમ 66 ખાલી સ્લોટ ભરવા માટે બોલી લગાવવામાં આવશે, જેમાં 25 વિદેશી ખેલાડીઓના સ્લોટ સામેલ છે.
આ વખતના રજીસ્ટરમાં કુલ 184 કેપ્ડ ખેલાડીઓ, 994 અનકેપ્ડ ખેલાડીઓ અને એસોસિએટ દેશોના 42 ખેલાડીઓ સામેલ છે. અનકેપ્ડ ખેલાડીઓમાં 925 ભારતીય ખેલાડીઓ છે, જેમાંથી 127 ખેલાડીઓ અગાઉની આઈપીએલ સીઝનમાં રમી ચૂક્યા છે. કેટેગરી મુજબ જોઈએ તો 14 કેપ્ડ ભારતીય, 170 કેપ્ડ આંતરરાષ્ટ્રીય, 42 એસોસિએટ દેશોના ખેલાડીઓ, અગાઉ આઈપીએલ રમી ચૂકેલા 127 અનકેપ્ડ ભારતીય, 798 અન્ય અનકેપ્ડ ભારતીય અને 69 અનકેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
વિદેશી ખેલાડીઓની નોંધણીમાં ઓસ્ટ્રેલિયા 53 ખેલાડીઓ સાથે મોખરે છે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના 40, વેસ્ટ ઈન્ડિઝના 36, ન્યુઝીલેન્ડના 25, અફઘાનિસ્તાનના 23, શ્રીલંકાના 21, ઈંગ્લેન્ડના 16, બાંગ્લાદેશના 12, આયર્લેન્ડના 7 અને ઝિમ્બાબ્વેના 6 ખેલાડીઓનો સમાવેશ થાય છે. એસોસિએટ દેશોમાં અમેરિકાના સૌથી વધુ 13 ખેલાડીઓ છે, જ્યારે યુએઈ અને નેપાળના 10-10 ખેલાડીઓએ નામ નોંધાવ્યા છે. આ ઉપરાંત નેધરલેન્ડ્સના 3 તેમજ કેનેડા, જાપાન અને સ્કોટલેન્ડના 2-2 ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે.
હવે તમામ ફ્રેન્ચાઈઝીઓ આ રજીસ્ટરમાંથી અંતિમ પ્લેયર પૂલમાં સામેલ કરવા માટે પસંદગીના ખેલાડીઓના નામ સબમિટ કરશે, જેના આધારે શુક્રવાર 4 ડિસેમ્બર 2026 ના રોજ પ્લેયર સેટ્સ સાથેનું અંતિમ ઓક્શન લિસ્ટ જાહેર કરવામાં આવશે.
ટીમોની વર્તમાન સ્થિતિ અને ઉપલબ્ધ બજેટ પર નજર કરીએ તો દસ ફ્રેન્ચાઈઝીઓએ અત્યાર સુધીમાં 55 વિદેશી સહિત 184 ખેલાડીઓ પાછળ કુલ 1004.40 કરોડ રૂપિયા ખર્ચ્યા છે અને હવે તેમની પાસે કુલ 295.60 કરોડ રૂપિયાનું પર્સ બાકી છે. લખનઉ સુપર જાયન્ટ્સ પાસે સૌથી વધુ 47.45 કરોડ રૂપિયાનું બજેટ અને 7 સ્લોટ ખાલી છે, જેમાં 3 વિદેશી સ્લોટ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે 41.65 કરોડ સાથે 8 સ્લોટ, સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે 40.15 કરોડ સાથે 7 સ્લોટ અને દિલ્હી કેપિટલ્સ પાસે 39.50 કરોડ સાથે 9 સ્લોટ ખાલી છે, જેમાં સૌથી વધુ 4 વિદેશી સ્લોટ ઉપલબ્ધ છે.
મુંબઈ ઈન્ડિયન્સ પાસે 30.25 કરોડના બજેટ સાથે 9 સ્લોટ, ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે 28.05 કરોડ સાથે 6 સ્લોટ અને રાજસ્થાન રોયલ્સ પાસે 27.05 કરોડ સાથે 6 સ્લોટ ખાલી છે. પંજાબ કિંગ્સ પાસે 18.60 કરોડના પર્સ સાથે 6 સ્લોટ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પાસે 14.15 કરોડ સાથે 5 સ્લોટ ખાલી છે. ગુજરાત ટાઈટન્સ પાસે સૌથી ઓછું 8.75 કરોડ રૂપિયાનું પર્સ બાકી છે અને ટીમને 2 વિદેશી સહિત માત્ર 3 સ્લોટ ભરવાના બાકી છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
