<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

ધારાસભ્‍ય બારડના જન્‍મદિવસે આજોઠાથી કાજલી યાર્ડ સુધી ‘યુથ રન' યોજાઈ

શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવોએ પણ દોડ લગાવીઃ ઉગતા સૂર્યની કિરણો સાથે ૩ હજારથી વધુ યુવાનોએ ફિટ ઇન્‍ડિયાના સંદેશ સાથે ૫ કિ.મી.ની દોડ લગાવી

વેરાવળ, તા.૨: તાલુકાના આજોઠા ખાતે ઉગતા સૂર્યની પ્રથમ કિરણો સાથે આજે વહેલી શિક્ષણ મંત્રી ડૉ .પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં ‘યુથ રન' યોજાઈ હતી. આજોઠાની ડી.એમ.બારડ હાઈસ્‍કૂલ ખાતેથી કાજલી યાર્ડ સુધીની ૫ કિ.મી.ની દોડને મંત્રી ડૉ .પ્રદ્યુમન વાજા સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપીને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.

તાલાલા-સૂત્રાપાડા મત વિસ્‍તારના ધારાસભ્‍ય ભગવાન બારડના જન્‍મ દિવસ નિમિત્તે ભગવાન બારડનો યુવાનોને ફિટનેસનો ઉપહાર અને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના ‘ફિટ ઇન્‍ડિયા'ના વિચાર સાથે ‘યુથ રન-૨૦૨૬' દોડનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં૩ હજારથી વધુ યુવાનો ઉત્‍સાહભેર જોડાયા હતા.

શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્‍ય ભગવાન બારડ, કલેક્‍ટર જીતેન્‍દ્રસિંહ વાઘેલા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, અગ્રણી અનિલભાઈ જેઠવા, રામીબેન વાજા, રાજવીરસિંહ ઝાલા સહિતના આગેવાનોએ પણ આ દોડમાં જોડાઈને યુવાનોનો ઉત્‍સાહ વધાર્યો હતો.

(12:55 PM IST)