તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
ઉનાની વડલા પોલીસ ચોકીમાં યુવકે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ

(નવીન જોષી દ્વારા) ઉના તા. પ :.. વડલા પોલીસ ચોકી ખાતે ગુનાના કામે વધુ તપાસ માટે લાવવામાં આવેલા એક યુવકે શૌચાલયમાં જઈ ફિનાઇલ પી લેતાં પોલીસ તંત્રમાં દોડ ધામ મચી ગઈ હતી.
યુવકને તાત્કાલિક સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની તબિયતને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે પોલીસ બંદોબસ્ત સાથે ભાવનગર ખસેડવામાં આવ્યો છે.
ઉનાના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા સુજલ રવિભાઈ બાંભણિયા નામનો યુવક એટ્રોસિટી સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા આશરે ૧૫ દિવસથી જુનાગઢ જેલમાં બંધ હતો. આ ગુનાના કામે વધુ તપાસ હાથ ધરવા માટે તેને જુનાગઢ જેલ માંથી ઉના લાવવામાં આવ્યો હતો.
વડલા પોલીસ ચોકી ખાતે તપાસની કામગીરી ચાલી રહી હતી. આ સમયે સુજલ શૌચાલયમાં પેશાબ કરવા ગયો હતો. જ્યાં શૌચાલયની સફાઈ માટે રાખવામાં આવેલું ફિનાઇલ તેણે પી લીધું હતું. શૌચાલય માંથી બહાર આવ્યા બાદ યુવકે પોતે ફિનાઇલ પીધું હોવાનું પોલીસને જણાવતાં તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વડલા પોલીસ ચોકીના પીએસઆઇ હરપાલસિંહ સરવૈયાએ યુવકને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવારની જરૂરિયાત જણાતાં પોલીસ બંદોબસ્ત સાથે તેને ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
