તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
અમરેલીના લીલીયાના અંટાળીયા નજીક બોર્ડર પર સિંહના હુમલામાં એક યુવાનનું કરુણ મોત
સિંહ -સિંહણના મેટિંગ પિરિયડ દરમિયાન સોહીલ મેમણ નામનો યુવક અન્ય યુવકો સાથે સિંહ દર્શન માટે નજીક પહોંચ્યો ત્યારે સિંહોએ હુમલો કરી તેને દૂર સુધી ઢસડી જઈ મોતને ઘાટ ઉતાર્યો

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા નજીક રેવન્યુ અને રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં એક અત્યંત કરૂણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિંહ-સિંહણના મેટિંગ પિરિયડ દરમિયાન સિંહ દર્શનના શોખમાં નજીક ગયેલા ૨૧ વર્ષીય યુવાન સોહીલ મેમણ પર સિંહોના ટોળાએ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો છે.
મળતી માહિતી મુજબ, સોહીલ મેમણ પોતાના મિત્રો સાથે સિંહ દર્શન કરવા માટે જંગલ વિસ્તારની નજીક પહોંચ્યો હતો. આ વિસ્તારમાં સિંહ-સિંહણની જોડી મેટિંગ પિરિયડમાં હતી, જે વધુ આક્રમક હોય છે. યુવક સિંહોની ખૂબ જ નજીક પહોંચી જતા, સાવજોએ હુમલો કર્યો હતો અને યુવાનને ઢસડીને દૂર લઈ ગયા હતા. આ દુર્ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, હુમલા બાદ સિંહો યુવકના મૃતદેહને છોડવા તૈયાર નહોતા અને લાંબો સમય સુધી મૃતદેહ પર જ બેસી રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ લીલીયા વનવિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. વનવિભાગની ટીમે સરકારી વાહનોના કાફલા સાથે અંદર પ્રવેશ કરી મહામુસીબતે સાવજોને ફટાકડા અને અવાજ કરી દૂર ખદેડ્યા હતા અને યુવકનો મૃતદેહ કબજે કર્યો હતો.
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માનવ મૃત્યુના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થાનિક સ્તરે સિંહ દર્શન ની પ્રવૃત્તિઓ છૂટથી ચાલતી હોવા છતાં વનવિભાગ કેમ અજાણ છે? તેવા ગંભીર સવાલો સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. હાલમાં પોલીસ દ્વારા સિંહ દર્શન માટે ગયેલા અન્ય યુવકોની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર જંગલી પ્રાણીઓ અને માનવ વસ્તી વચ્ચેના સંઘર્ષને અને સુરક્ષાના અભાવને વાચા આપી છે.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
