<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

જૂનાગઢના ડુંગરપુર ગામની સીમ વિસ્તારમાં યુવાનની હત્યા : ધોકા-પાઈપના ઘા ઝીંકી અજાણ્યો ફરાર થયો

ઘરેથી કામ માટે નીકળેલા યુવાન પર હુમલો : ગંભીર ઈજાઓ સાથે મોત : પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી હત્યાનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ, તા.૧૭ : જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં એક યુવાનની ક્રૂર હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘરેથી કામ અર્થે બહાર નીકળેલા યુવાન પર અજાણ્યા શખ્સે ધોકા અને પાઈપ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

 

પ્રાપ્ત વિગત મુજબ ડુંગરપુર ગામનો યુવાન સવારે ઘરેથી કામ માટે બહાર ગયો હતો. દરમિયાન ગામની સીમ વિસ્તારમાં અજાણ્યા ઈસમે તેના પર અચાનક હુમલો કરી દીધો હતો. આરોપીએ ધોકા અને પાઈપ વડે યુવાનના માથા અને શરીરના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકતા તે ગંભીર રીતે ઘવાયો હતો. સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા ત્યાં સુધીમાં હુમલાખોર ફરાર થઈ ગયો હતો. લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

 

ઘટનાની જાણ થતા જૂનાગઢ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસમાં હત્યા ધોકા-પાઈપના ઘા મારીને કરાઈ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

 

પોલીસ હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ તેજ કરી છે. અંગત અદાવત, લૂંટનો પ્રયાસ કે અન્ય કોઈ કારણોસર હત્યા થઈ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરવા સહિત FSLની મદદ પણ લેવામાં આવી રહી છે. યુવાનની હત્યાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(4:54 PM IST)