તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
સાવરકુંડલામાં યુવાનની આંખમાં મરચુ છાંટી ક્રુર હત્યા
રાજુલાના બાબરીયાધારનો યુવાન સાવરકુંડલા સાસરીયેથી પત્નિને તેડવા ગયો ત્યાં જ રહેતાં ફઇના દિકરા જગદીશના ઘરે બેસવા જતાં જગદીશે પૈસા માંગતા હર્ષદે ના પાડીઃ પણ તેની પાસે પૈસા જોઇ જતાં હીચકારો હુમલો કર્યોઃ જે જીવલેણ નીવડયોઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું ૨૮ વર્ષિય હર્ષદ પરમારની આંખમાં ફઇના દિકરા જગદીશની પત્નિ દયાઍ મરચાની ભુકી છાંટી, જગદીશ અને બે અજાણ્યાઍ પાઇપ-કુહાડીના ઘા ઝીંક્યાઃ યુવાને રાજકોટમાં દમ તોડ્યો હુમલો થયા પછી જીવ બચાવવા હર્ષદ ફઇના દિકરાના ઘરેથી ભાગી બજારમાં પહોંચી ગયોઃ અહિ પણ જગદીશ, તેની પત્નિ અને બે અજાણ્યાએ આંતરી લઇ ફરીથી હુમલો કર્યોઃ સાવરકુંડલા પીઆઇ જી. આર. વસૈયાએ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૯: સાવરકુંડલામાં પત્નિને તેડવા ગયેલા રાજુલાના બાબરીયાધારના એક યુવક પર પૈસા મામલે તેના જ ફઇના દિકરા, ફઇના દિકરાની પત્નિ સહિત ચાર જણાએ આંખમાં મરચાની ભુકી છાંટી પાઇપ, કુહાડીથી હુમલો કરતાં તે જીવ બચાવવા વંડી ઠેંકી બજારમાં ભાગતાં ચારેયએ પીછો કરી ભરબજારે તેને આંતરી લઇ ફરીથી હીચકારો હુમલો કરી બંને હાથ-પગ ભાંગી નાંખ્યા હતાં. ગંભીર રીતે ઘાયલ યુવાનનું રાજકોટમાં મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો છે.
આ બનાવમાં સાવરકુંડલા ટાઉન પોલીસે હત્યાનો ભોગ બનેલો અમરેલીના બાબરીયાધાર વાવેરા રોડ પર રહેતો હર્ષદ વિપુલભાઇપરમાર (ઉ.વ.૨૮) સારવાર હેઠળ હતો ત્યારે તેની ફરિયાદ પરથી તેના જ ફઇના દિકરા સાવરકુંડલામાં રહેતાં જગદીશ સુખાભાઇ પરમાર, તેની પત્નિ દયા જગદીશ પરમાર અને બે અજાણ્યા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. રાજકોટમાં હર્ષદનું રાતે મોત થઇ જતાં બનાવ હત્યામાં પલ્ટાયો છે. પૈસા માટે થઇને આ યુવાનની આંખમાં દયાએ મરચાની ભુકી છાંટી દીધી હતી અને જગદીશે પાઇપનો ઘા મારી પછાડી દીધો હતો. તે જીવ બચાવી ભાગતાં અજાણ્યાએ વંડી પાસે કુહાડીનો ઘા મારી દીધો હતો. આ પછી હર્ષદ રોડ પર ભાગતાં પીછો કરી ફરીથી પાઇપ-કુહાડીના ઘા મારી બંને પગ ભાંગી નાંખી આજે તો બચી ગયો હવે પછી મારી જ નાખશુ તેવી ધમકી આપી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજુલા તાલુકાના વાવેરા જતા રોડ પર બાબરીયાધાર ખાતે રહેતા અને કડીયાકામ કરતા હર્ષદ વિપુલભાઈ પરમાર (ઉ.વ.૨૮)ના લગ્ન સાવરકુંડલાના હાથસણી રોડ પર રહેતા કથડભાઇ ગગજીભાઈ સોલંકીની દીકરી જાગૃતીબેન સાથે થયા હતાં. હર્ષદ ૧૬મીએ સાંજે ચારેક વાગ્યે ચારેક વાગ્યે સાવરકુંડલા ખાતે પોતાના સસરાના ઘરે પોતાની પત્નિને તેડવા માટે ગયો હતો. આ દરમિયાન તેઓ સાવરકુંડલામાં જ રહેતા તેમના ફઇના દીકરા જગદીશ સુખાભાઈ પરમારના ઘરે તે બેસવા ગયો હતો. જ્યાં જગદીશ અને તેમના પત્નિ દયાબેન હાજર હતા, તેમજ અન્ય બે અજાણ્યા માણસો પણ બેઠા હતા. ત્યાં ચા-પાણી પીધા બાદ જગદીશએ હર્ષદ પાસે પૈસાની માંગણી કરી વાતચીત શરૂ કરી હતી.
પણ હર્ષદે પોતાની પાસે પૈસા નથી તેમ કહી દીધુ હતું. આ દરમિયાન તેની પાસેના પૈસા જગદીશ અને દયાબેન જોઇ ગયા હતાં. પૈસાની વાતચીત ચાલતી હતી તે દરમિયાન પાછળથી દયાબેને આવીને અચાનક હર્ષદની આંખોમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. આથી હર્ષદ ગભરાઈને ખુરશી પરથી ઊભા થઈ ભાગવા જતાં જગદીશે લોખંડના પાઇપનો એક ઘા તેમના જમણા પગે મારી દીધો હતો. હર્ષદ જીવ બચાવવા માટે ઘરની વાડ ટપીને બહાર ભાગ્યો ત્યારે ત્યાં ઉભેલા બે અજાણ્યા માણસોમાંથી એકે તેના હાથમાં રહેલી કુહાડીનો ઘા હર્ષદના પગમાં મારી દીધો હતો. આ પછી પણ હર્ષદ હિમ્મત કરી તેને ધક્કો મારીને બજાર તરફ દુકાનો બાજુ ભાગ્યો હતો. પરંતુ હુમલાખોરોએ પીછો છોડ્યો ન હતો.
બજારમાં પહોંચતા જ બંને અજાણ્યા શખ્સો તેમજ જગદીશ અને તેની પત્નિ દયાબેને હર્ષદને આંતરી લીધા હતા અને ગાળો ભાંડી તું અમારા હાથમાંથી કયાં ભાગી જઈશ? તેમ કહી રસ્તા પર પછાડી દીધો હતો. ત્યારબાદ દયાબેને હર્ષદના વાળ પકડી રાખ્યા હતા અને જગદીશ તથા બંને અજાણ્યા શખ્સોએ લોખંડના પાઇપ અને કુહાડી વડે બંને પગે આડેધડ ઘા મારવાનું શરૂ કર્યું હતું. હર્ષદએ બચવા માટે હાથ આડા રાખતા બંને હાથના પોંચાના ભાગે પણ ગંભીર ઇજાઓ થઈ હતી અને છાતીના ભાગે પાટા માર્યા હતા. આ હુમલાની ધમાચકડી દરમિયાન હર્ષદ પાસે રહેલા બે મોબાઈલ ફોન અને ખિસ્સામાં રહેલા રોકડા રૂપિયા ૫૦,૪૭૦ કયાંક પડી ગયા અથવા ગુમ થઈ ગયા હતા.
બજારમાં બૂમાબૂમ થતાં હર્ષદભાઈના પત્નિ જાગુબેન, તેમના કાકાજી સસરા દડુભાઈ ગગજીભાઈ સોલંકી તથા ભાનુબેન દડુભાઈ સોલંકી સહિત આસપાસના અનેક લોકો દોડી આવ્યા હતા. લોકટોળું એકઠું થઈ જતાં હુમલાખોરો ત્યાંથી નાસી છૂટયા હતા અને જતાં-જતાં ધમકી આપી હતી કે આજે તો તું બચી ગયો છે, પણ જો હવે પછી અહીં આવીશ કે પોલીસ કેસ કરીશ તો તને જાનથી મારી નાખીશું. ઘટના બાદ ઈજાગ્રસ્ત હર્ષદના સગા દડુભાઈએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતાં ઇમરજન્સી સેવા મારફતે તેને પ્રથમ સાવરકુંડલા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયેલ. ત્યાં પ્રાથમિક સારવાર આપી ડોક્ટરે શરીરે, હાથ અને પગના ભાગે કુલ ૧૩ ટાંકા લીધા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો.
ત્યાં અમરેલી હોસ્પિટલમાં ડોક્ટરોએ એક્સ-રે ચેક કરતાં હર્ષદભાઈના બંને પગમાં ગોઠણથી નીચેના ભાગે ગંભીર ફ્રેક્ચર હોવાનું અને બંને હાથના પોંચાના ભાગે પણ ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. હાલ ડોક્ટરોએ બંને પગનું ઓપરેશન કરવાનું જણાવ્યું છે. હોસ્પિટલના બિછાનેથી હર્ષદે ફઇના દિકરા જગદીશ સુખાભાઈ પરમાર, તેની પત્નિ દયાબેન જગદીશ પરમાર અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરાવતાં સાવરકુંડલા પીઆઇ જી. આર. વસૈયાએ ગુનો નોંધી આરોપીઓને પકડી લીધા હતાં.
દરમિયાન હર્ષદનું રાતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત થતાં બનાવ હત્યામાં પરિણમતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે સાવરકુંડલા પોલીસને જાણ કરી હતી. હત્યાનો ભોગ બનનાર હર્ષદ ચાર ભાઇ અને એક બહેનમાં ત્રીજો હતો. તેના અન્ય ભાઇ-બહેનના નામ ભાવેશભાઇ, સોનલબેન, નિર્મળ અને હસમુખ છે. પોતે કડીયા કામની મજૂરી કરતો હતો. તેને સંતાનમાં ૮ અને ૬ વર્ષના બે દિકરા દિવ્યેશ તથા ગજેન્દ્ર છે. આ બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસે આરોપીઓને અગાઉ પકડી લીધા હતાં.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
