News of Saturday, 27th June 2026
તમે એક વર્ષથી પક્તાઇ કરો છો...તાજીયાના ઝુલુસ વખતે શસ્ત્ર સશસ્ત્ર હુમલોઃ ૬ને ઇજાઃ બેના અંગુઠા-કાંડા કપાયા
પોરબંદરના સંધી જમાતખાના પાસે તાજીયાના ઝુલુસ વખતે તલવાર-છરીથી ધમાલ : હુશેન રાવકુડા અને નજીર રાવકુડાને રાજકોટ ખસેડાયાઃ કિર્તીમંદિર પોલીસે ૮ વિરૂધ્ધ ટોળકી રચી હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો : રાવકુડા કુટુંબે તાજીયામાં બટેટા-પકોડાની પ્રસાદીનો સ્ટોલ રાખ્યો હોઇ ત્યાં ઉભા હતાં ત્યારે ધમાલ લેતાં લેતાં અજીમ સહિતનું ટોળુ ધસી આવ્યું અને તુટી પડયું: વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત

રાજકોટ તા. ૨૭: પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં મોહર્રમના તહેવાર દરમિયાન એક વર્ષ જૂની અદાવતનું મનદુખ રાખીને આઠ શખસોની ટોળકીએ તલવાર અને છરી જેવા પ્રાણઘાતક હથિયારો સાથે એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ હુમલામાં બે યુવકોના હાથના અંગૂઠા અને કાંડા કપાઈ ગયા છે, જ્યારે અન્ય ચાર લોકોને ઇજાઓ પહોંચતા તમામ ૬ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી બે ભાઇઓને રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.
આ બનાવ અંગે કીર્તિમંદિર પોલીસે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ લાતી બજાર મચ્છી માર્કેટ પાસે રહેતા અને મચ્છીનો વેપાર કરતા નજીર મુસાભાઇ રાવકુડા (ઉ.વ. ૪૦) એ કીર્તિમંદિર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદની વિગત અનુસાર શુક્રવારે ૨૬/૦૬ના રોજ મોહરમ નિમિત્તે તેમના પરિવારે સંધી જમાતખાના પાસે પકોડા અને બટેટાની પ્રસાદીનો સ્ટોલ રાખ્યો હતો. રાત્રીના આશરે સાડા દસેક વાગ્યાના સુમારે તેઓ પરિવારના સભ્યો સાથે પ્રસાદીનું વિતરણ કરી રહ્યા હતા, ત્યારે તાજીયામાં ધમાલ લેતા લેતા આરોપીઓ અજીમ યુનુસ કાદરી, યુનુસ કાદરી, સમીર યુનુસ કાદરી, શકીલ યુનુસ કાદરી, ઈમ્તીયાજ સિપાઈ, એજાજ નાલબંધ, ફારૂક મુરૂ અને યુસુફ ફારૂક મુરૂ હાથમાં તલવારો તથા છરીઓ લઇને ત્યાં ધસી આવ્યા હતા.
આ બધાએ તમે છેલ્લા એક વર્ષથી બહુ પક્તાઇ મારો છો તેમ કહી જૂની અદાવત અંગે ગાળો ભાંડી હતી અને અજીમે તલવારનો ઘા નજીરભાઇના માથાના પાછળના ભાગે ઝીંકી દીધો હતો, તેમજ બીજો ઘા રોકવા જતાં નજીરભાઇના ડાબા હાથનો અંગુઠો કપાઈ ગયો હતો. આ દરમિયાન તલવાર અને છરીઓ સાથે તૂટી પડેલા અન્ય હુમલાખોરોએ આડેધડ ઘા મારવાનું શરૂ રાખતા નજીરભાઇના ભાઇ રફીક મુસાભાઇના ડાબા હાથનું કાંડું કપાઈને અલગ પડી ગયું હતું.
જ્યારે બીજા ભાઇ હુસેનને જમણા હાથના પોંચા પર ગંભીર ઇજા થઇ હતી. આ ઉપરાંત ભત્રીજા સાહીલ રફીકને જમણા પગ, ડાબા હાથ અને ગળા પર તેમજ મિત્ર સીરાજ સલીમ સમાને ડાબા હાથના કાંડા પર અને સમીર યુસુફને જમણા પગના ગોઠણ તેમજ કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી આરોપીઓ નાસી છૂટયા હતા. લોહીલુહાણ હાલતમાં તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સગા-સંબંધીઓ દ્વારા સ્કૂટર પર પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.વી. પરમારે હોસ્પિટલ પહોંચી નજીર મુસાભાઇ રાવકુડા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી અજીમ યુનુસભાઇ કાદરી, યુનુસ કાદરી, સમીર યુનુસ કાદરી, શકીલ યુનુસ કાદરી, ઇમ્તિયાઝ સિપાહી, એઝાઝ નાલબંધ, ફારૂક મુરૂ અને યુસુફ ફારૂક મુરૂ વિરૂધ્ધ ગેરકાયદે મંડળી રચી હત્યાનો પ્રયાસ કરવા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત હુસેનભાઇ મુસાભાઇ રાવકુડા (ઉ.વ.૩૮) અને નજીરભાઇ મુસાભાઇ રાવકુડા (ઉ.વ.૪૦)ને રાજકોટ ખસેડાયા છે.
પોરબંદરના પ્રતિનિધિ પરેશ પારેખના અહેવાલ મુજબ બનાવને પગલે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
