<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

યાત્રાધામ વીરપુરના સ્‍વામિનારાયણ ગુરુકુળમાં ગુરુપૂર્ણિમાએ ગુરુ સાથે માતા-પિતા અને શિક્ષકોનું પૂજન

વિદ્યાર્થીઓએ ગુરુવંદના સાથે માતા-પિતાને પ્રથમ ગુરુ માની કરી પૂજા-અર્ચનાઃ સ્‍વામી વિશ્વવિહારીદાસજીએ ગુરુ, માતા-પિતા અને વિદ્યાગુરુના મહત્‍વ અંગે આપ્‍યું પ્રેરણાદાયી માર્ગદર્શન

(કિશન મોરબીયા દ્વારા) વિરપૂર તા.૩૧: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર સ્‍થિત સ્‍વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરુકુળમાં ગુરુપૂર્ણિમાની અનોખી અને સંસ્‍કારમય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ભારતભરમાં ગુરુપૂર્ણિમાનો પાવન તહેવાર શ્રદ્ધા અને ભક્‍તિપૂર્વક ઉજવાતો હોય છે, ત્‍યારે વીરપુરના સ્‍વામિનારાયણ ગુરુકુળમાં ગુરુવંદના સાથે માતા-પિતા અને શિક્ષકોના સન્‍માનની સુંદર પરંપરાને જીવંત રાખતી વિશિષ્ટ ઉજવણી યોજાઈ હતી.

પૂજ્‍ય ગુરુ સ્‍વામી હરિજીવનદાસજીના દિવ્‍ય સંકલ્‍પ તથા અક્ષરનિવાસી પૂજ્‍ય ગુરુ કોઠારી સ્‍વામી હરિકૃષ્‍ણદાસજીના પાવન સ્‍વપ્નને સાકાર કરનાર બની રહ્યો હતો. પરમ પૂજ્‍ય ગુરુવર્ય શાષી સ્‍વામી ઘનશ્‍યામ પ્રકાશદાસજીના શુભ આશીર્વાદ અને સંસ્‍થાના વડા પૂજ્‍ય શાષાી સ્‍વામી વિશ્વવિહારીદાસજીના દિવ્‍ય માર્ગદર્શન અને પ્રેરણાથી કાર્યક્રમ દરમિયાન ગુરુકુળના વિદ્યાર્થીઓએ પોતાના ગુરુઓને વંદન કરી આશીર્વાદ મેળવ્‍યા હતા. સાથે જ વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને જીવનના પ્રથમ ગુરુ માની તેમની પૂજા-અર્ચના કરી ચરણસ્‍પર્શ કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્‍યું હતું કે બાળકને જીવનના પ્રથમ સંસ્‍કાર, શિક્ષણ અને જીવન જીવવાની કળા માતા-પિતાથી જ પ્રાપ્ત થાય છે, તેથી માતા-પિતાનું સ્‍થાન ગુરુ સમાન છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પોતાના વિદ્યાગુરુ એટલે કે શિક્ષકોનું પણ સન્‍માન અને પૂજન કરીને તેમની પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યક્‍ત કરી હતી.

આ પ્રસંગે ગુરુકુળના સ્‍વામી વિશ્વવિહારીદાસજીએ પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં જણાવ્‍યું હતું કે માનવ જીવનમાં ગુરુ, માતા-પિતા અને શિક્ષકોનું સ્‍થાન સર્વોચ્‍ચ છે. જીવનમાં સાચા માર્ગદર્શન, સંસ્‍કાર અને સફળતા માટે આ ત્રણેયનું સન્‍માન અને આદર અનિવાર્ય છે. તેમણે વિદ્યાર્થીઓને હંમેશા પોતાના ગુરુ, માતા-પિતા અને શિક્ષકો પ્રત્‍યે આદરભાવ રાખી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્‍યો હતો.

ભંડારી સ્‍વામી  વિષ્‍ણુપ્રસાદદાસ જી,ગાયત્રી મુક્‍તિધામ સેવા સમિતિના પ્રમુખ અનિલભાઈ વઘાસિયા, જનકભાઈ ડોબરીયા (માજી આરોગ્‍ય ચેરમેન રાજકોટ)ક્ષત્રિય સમાજના પ્રમુખ બલભદ્રસિહ ચુડાસમા, જલારામ સેવા મંડળના મુકેશભાઈ ડોબરિયા,મહેશભાઈ ભટ્ટ સહિત મોટી સંખ્‍યામાં વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્‍થાના ડાયરેક્‍ટર મૌલિકભાઈ ભેસાણિયા, સંચાલક શ્રી વિજયભાઈ ડોબરિયા તથા શ્રીમતી ઝાલા ધર્મિષ્ઠાબાના માર્ગદર્શન હેઠળ ગુરુકુળના તમામ શિક્ષકગણ, શિક્ષિકા બહેનો અને સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

આ રીતે વીરપુર સ્‍વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરુકુળમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી માત્ર ગુરુપૂજન પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ માતા-પિતા અને શિક્ષકોના સન્‍માન સાથે ભારતીય સંસ્‍કૃતિના ઉત્તમ મૂલ્‍યોને ઉજાગર કરતી પ્રેરણાદાયી અને અનોખી ઉજવણી બની રહી હતી

(10:57 AM IST)