તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો બન્યો સ્થાનિક પરિવારો માટે રોજીરોટીનો મજબૂત આશરો: થાનગઢમાં તૈયાર થતી રંગબેરંગી છત્રીઓ અને હસ્તકલાથી ૫૦ વર્ષથી સચવાઈ સંસ્કૃતિ
ઘરઆંગણે મહિલાઓને મળી રહી છે રોજગારી: દેશ-વિદેશના પ્રવાસીઓમાં અદભુત આકર્ષણ જમાવતી હાથભરત, આરીભરત અને કલાત્મક બંડી-ચોલીની સર્જાઈ ભારે માંગ

થાનગઢ (સુરેન્દ્રનગર) : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે યોજાતો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો માત્ર માતૃભક્તિ, સંસ્કૃતિ અને લોકજીવનનો મેળો જ નથી રહ્યો, પરંતુ અનેક સ્થાનિક પરિવારો માટે આજીવિકા અને રોજગારીનું એક મોટું માધ્યમ બની રહ્યો છે. થાનગઢમાં તૈયાર થતી રંગબેરંગી છત્રીઓ, પરંપરાગત વસ્ત્રો અને ઝીણવટભર્યા ભરતકામે તરણેતરના મેળાને વૈશ્વિક સ્તરે એક અનોખી ઓળખ અપાવી છે. આ અદ્ભુત કારીગરી પાછળ વર્ષોની અથાક મહેનત છુપાયેલી છે, જે આજે અસંખ્ય પરિવારોના જીવનનિર્વાહનો મુખ્ય આધાર બની ચૂકી છે.
થાનગઢના અમિતભાઈ નરોત્તમભાઈ દરજી અને તેમનો પરિવાર છેલ્લા ૫૦ વર્ષથી પણ વધુ સમયથી આ પરંપરાગત હસ્તકલાના વારસા સાથે જોડાયેલો છે. હાલમાં તેમના આ ગૃહઉદ્યોગમાં ૨૫ થી ૩૦ જેટલી મહિલા કારીગરો અને ૭ થી ૮ પુરુષ કારીગરો કાર્યરત છે. સૌથી મહત્વની વાત એ છે કે મહિલાઓને પોતાના ઘરઆંગણે જ રોજગારી મળી રહે છે. કારીગરો દ્વારા હાથભરત, આરીભરત અને કમ્પ્યુટર ભરત જેવી વિવિધ પદ્ધતિઓથી કપડાં, પાઘડી, મોજડી, કોટી-બંડી તેમજ છત્રીઓ પર કલાકો સુધી ઝીણવટપૂર્વક કામ કરવામાં આવે છે. આ કલાત્મક છત્રીઓ મોટા મોટા મંદિરોના સંતો-મહંતો સુધી પહોંચે છે અને આજુબાજુના રાજ્યો સુધી તેની નિકાસ થાય છે.
તરણેતરનો મેળો નજીક આવતાં જ આ પરંપરાગત હસ્તકલાની માંગમાં વિરાટ ઉછાળો આવે છે. છેલ્લા ૧૫ વર્ષથી આ કળા સાથે જોડાયેલા સ્થાનિક કારીગર રાજેન્દ્રભાઈના જણાવ્યા મુજબ, તેઓ દરરોજ કલાત્મક કપલ ડ્રેસ, ચોલી અને બંડી તૈયાર કરે છે, જેનાથી તેમને આખું વર્ષ પૂરતી આજીવિકા મળી રહે છે. મેળામાં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આ રંગબેરંગી છત્રીઓ અને પરંપરાગત વસ્ત્રો માત્ર ખરીદીની વસ્તુ નથી, પરંતુ ગુજરાતની ભાતીગળ લોકકળાની યાદગાર ઓળખ બની જાય છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
