<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

જામનગરના સિક્કા થર્મલ પાવર સ્ટેશન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ 2026ની ઉત્સાહભેર ઉજવણી, 1થી 5 જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા : આબોહવા પરિવર્તન સામે વૈશ્વિક આહવાન પર ધ્યાન કેન્દ્રિત કરી વૃક્ષારોપણ, ક્વિઝ અને તાલીમ કાર્યક્રમોનું આયોજન

આબોહવા પરિવર્તન પર કાર્યવાહી અને અન્ય પ્રદૂષણ સામે લડવા માટે વૃક્ષારોપણ અને પ્રકૃતિની જાળવણી એ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નથી, પરંતુ આપણી દૈનિક જીવનશૈલીનો ભાગ હોવી જોઈએ : સંકુલના વડા એચ.ડી. મુંધવા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૫ : ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ સંચાલિત સિક્કા થર્મલ પાવર સ્ટેશન ખાતે તારીખ 1 જૂનથી 5 જૂન 2026 દરમિયાન વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આબોહવા પરિવર્તન સામે કાર્યવાહી માટે વૈશ્વિક આહવાન પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્તમાન સમયે વધતા જતા ઉદ્યોગીકરણ, શહેરીકરણ, પરિવહન તેમજ પ્લાસ્ટિકના વધતા વપરાશને લીધે વૈશ્વિક ઉષ્ણતા, આબોહવા પરિવર્તન અને ઇકોસિસ્ટમ વિક્ષેપન જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે પર્યાવરણનું જતન આજ અને આવતા ભવિષ્ય માટે હિતાવહ અને અનિવાર્ય છે. આ સંદર્ભમાં સિક્કા થર્મલ પાવર સ્ટેશન ખાતે પર્યાવરણીય વ્યવસ્થાપન સિસ્ટમ વિષય પર આધારિત તાલીમ કાર્યક્રમો, ક્વિઝ સ્પર્ધાઓ, ફિલ્મ શો, બેનર પ્રદર્શન અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સમગ્ર કર્મચારીગણ તેમજ સી.આઈ.એસ.એફ. અધિકારીગણે સહર્ષ ભાગ લીધો હતો.

વિશ્વ પર્યાવરણ દિવસના આયોજનને સફળ બનાવવા સંકુલના વડા  એચ.ડી. મુંધવાના માર્ગદર્શન હેઠળ સર્વે કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી. પ્રાસંગિક પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે આબોહવા પરિવર્તન પર કાર્યવાહી અને અન્ય પ્રદૂષણ સામે લડવા માટે વૃક્ષારોપણ અને પ્રકૃતિની જાળવણી એ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નથી, પરંતુ આપણી દૈનિક જીવનશૈલીનો ભાગ હોવી જોઈએ.

આ કાર્યક્રમમાં ડે. જનરલ મેનેજર ડી.આઇ. સિંધા, સુપ્રી. એન્જિનિયર એન.આર. પટેલ, આર.એન. પટેલ, ડી.કે. વસાવા, બી.એ. પરમાર, ઇન્ચાર્જ એસ.ઈ. બી.ડી. સનારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડેપ્યુટી એન્જિનિયર પી.એચ. ગાગીયા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

(3:37 PM IST)