<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

પોરબંદરને આધુનિક શહેર બનાવવાની દિશામાં કામગીરી

મહાનગરપાલિકામાં ભાજપના શાસન બાદ ૬ મહિનામાં વિકાસની નવી ગતિ : મેયર સાગરભાઇ મોદીના નેતૃત્‍વમાં ડેપ્‍યુટી મેયર મનીષભાઇ શિયાળ અને સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેન વિક્રમભાઇ ઓડેદરાની ટીમ દ્વારા વિકાસ કાર્યોની હારમાળા

પોરબંદર, તા. ૨૬:  મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન શરૂ થયા બાદના છ મહિનામાં શહેરના વિકાસને નવી ગતિ મળી છે. મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા છ મહિનાના શાસનકાળ દરમિયાન હાથ ધરવામાં આવેલા વિકાસકાર્યો અને આગામી આયોજનનો હિસાબ રજૂ કરવામાં આવ્‍યો હતો. મેયર સાગર ભાઇમોદીના નેતળત્‍વમાં, ડેપ્‍યુટી મેયર મનીષભાઈ શિયાળની સતત દેખરેખ અને સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરાના માર્ગદર્શન તથા સંકલનથી શહેરના વિવિધ વિસ્‍તારોમાં માળખાકીય અને પાયાની સુવિધાઓના વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે.

પોરબંદરના વિકાસને માત્ર વાયદાઓ સુધી સીમિત ન રાખીને જમીન પર સાકાર કરવાના અભિગમ સાથે રસ્‍તા, પાણી, ગટર, સ્‍ટ્રીટલાઇટ, સ્‍વચ્‍છતા, પર્યાવરણ, બાગ-બગીચા, સુરક્ષા અને નાગરિક સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી  ડો. મનસુખભાઈ માંડવિયા અને રાજ્‍યના કેબિનેટ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન અને સહકારથી શહેરને અનેક માળખાકીય સુવિધાઓની ભેટ મળી રહી છે.

સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના સર્વાંગી વિકાસ માટે વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજૂરી મેળવી કામગીરી આગળ ધપાવવામાં આવી છે. શહેરના મુખ્‍ય રસ્‍તાઓ પર સ્‍માર્ટ સ્‍ટ્રીટલાઇટ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં પાણીની નવી પાઈપલાઈન, ભૂગર્ભ ગટર, સ્‍ટોર્મ વોટર ડ્રેનેજ, હેરિટેજ લાઇબ્રેરીનું નવીનીકરણ, કમલાનહેરુ ગાર્ડન, એમ.ઈ.એમ. સ્‍કૂલ, રતનપર વેસ્‍ટ પ્રોસેસિંગ પ્‍લાન્‍ટ, રતનપર સી એ ડી વેસ્‍ટ પ્‍લાન્‍ટ, ટ્રાન્‍સફર સ્‍ટેશન, સુકાળા તળાવનો વિકાસ, રતનપર બીચ, સ્‍પોર્ટ્‍સ પાર્ક, આંગણવાડીઓ અને આધુનિક આઈઓટી ફ્‌લો મીટર સિસ્‍ટમ જેવા મહત્‍વપૂર્ણ કામો હાથ ધરવામાં આવ્‍યા છે.

આ ઉપરાંત વિવિધ વિકાસકામો તબક્કાવાર પૂર્ણતાની દિશામાં આગળ વધી રહ્યાં છે. એમ.ઈ.એમ. સ્‍કૂલ, સ્‍ટ્રીટલાઇટ રિનોવેશન, ખાપટ વોર્ડ ઓફિસ અને ખાપટ ગામતળના મેટલ રોડ સહિતનાં કામોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.

 નીચાણવાળા વિસ્‍તારોમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે ગોઢાણિયા કોલેજ પાસેના પમ્‍પિંગ સ્‍ટેશનથી બિરલા, છાયા કોઝવે નજીક બિરલા પમ્‍પિંગ સ્‍ટેશન અને ચાડેશ્વર મંદિર નજીક છાયા-રણ પમ્‍પિંગ સ્‍ટેશન સહિતનાં મહત્‍વપૂર્ણ કામો હાથ ધરવામાં આવ્‍યાં છે. આ પમ્‍પિંગ સ્‍ટેશનો કાર્યરત થતાં આગામી ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની વ્‍યવસ્‍થાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.

શહેરના તમામ વોર્ડમાં રસ્‍તાઓનું રિસરફેસિંગ, નવા રસ્‍તાઓનું નિર્માણ, સી.સી. રોડ, પેચવર્ક અને પેવર બ્‍લોકની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્‍ય માર્ગો સહિત આંતરિક વિસ્‍તારોના રસ્‍તાઓને પણ સુવિધાયુક્‍ત બનાવવાનું આયોજન છે. રસ્‍તાઓની ગુણવત્તા સુધારી નાગરિકોને ખાડામુક્‍ત અને સુવ્‍યવસ્‍થિત માર્ગોની સુવિધા મળે તે દિશામાં મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

ભાજપ શાસન દરમિયાન વિકાસને માત્ર શહેરના મુખ્‍ય વિસ્‍તારો સુધી મર્યાદિત ન રાખતાં આઉટગ્રોથ વિસ્‍તારોને પણ સમાન સુવિધાઓ મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે. 

(12:03 PM IST)