તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
પહેલા ટીકીટ મળશે કે નહી? તેના ઉજાગરા પછી ચુંટણી જીતશું કે નહી? તેના ઉજાગરા અને હવે પોતાને જોઈતું પદ, હોદ્દો મળશે કે નહી?તેના ઉજાગરા!!

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ તા ૧૫,પંચાયતોની ચૂંટણીમાં મોરબી મહાનગર પાલિકામાં મોરબીના મતદારોએ ખોબલે ખોબલે મત આપી ભાજપને ૫૨ ને ૫૨ સીટો પર વિજય અપાવ્યો.
આ ચૂંટણીમાં જુના જોગીઓ સાથે યુવા અને નવા ચહેરાઓ પણ તમામ વિજયી થયા અને બીજી બાજુ મહાપાલિકામાં વિપક્ષ માટે કાંઈ રહ્યુ નહી. અને પરિણામ આવ્યા પછી મોરબીના ભાજપના બન્ને જૂથના નેતાઓના નિશાન પર એકજ વાત હોય કે પોતાના જૂથના સભ્યોને ટોપ લેવલના પદ પર બેસાડવા.
ગાંધીનગરથી સેન્સ લેવા નેતાઓ આવ્યા, બધા સભ્યોને સાંભળ્યા, બાદમાં પેનલો બની, ગાંધીનગર સુધી પહોંચી ગઈ અને ગત તા ૧૩ ના રોજ પાર્લામેન્ટરી બોર્ડ બેઠુ, અને કોર્પોરેશન માટેના પદ કે હોદા કોને આપવા તે નિર્ણય પોતાના હસ્તક રાખ્યો.તો હવે ચૂંટાયેલા સભ્યો સહીત ઘણા તેમના સમર્થકો એ વિચારતા હોય કે, પદ કે હોદ્દાઓની પક્ષના મોવડીઓ કયારે જાહેરાત કરશે? અને તે સ્વાભાવિક છે.
આતુરતાનો અંત તા ૨૦ પછી જ આવવાની સંભાવના છે. કારણ કે જે ચૂંટાયેલા સભ્યો પોતાના પદ માટેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમના પદ માટેના મેન્ડેટ મોરબી કોર્પોરેશનના પ્રથમ બોર્ડમાં મોકલવાનુ પ્રદેશ કક્ષાએ નક્કી થયાનું જાણવા મળ્યુ છે. અને ૨૦ પછી એટલા માટે કે બોર્ડની તારીખ સરકાર નક્કી કરે છે અને પ્રથમ પાલિકાઓનું બોર્ડ બેસશે અને તેની સરકારે ૧૯ તારીખ નક્કી કરેલ છે દા.ત. માળીયા પાલિકાને તા ૧૯ ની જાણ કરી દેવામાં આવી છે. એટલે અનુમાન કરી શકાય કે, કોર્પોરેશનમાં બોર્ડની ૨૦ પછીની તારીખ સરકાર જાહેર કરશે.
બીજુ કે, કોર્પોરેશન ના મેયર, ડે. મેયર, સ્ટે કમિટી સહીત અન્ય કમિટીઓની ચુંટણી યોજાશે જેમાં પક્ષ તરફથી સભ્યોને મેન્ડેટ અને તે જ બંધ કવરમાં વ્હીપ મોકલી આપવામાં આવશે, ચુંટણી અધિકારી તરીકે કમિશનર બેસશે અને ઉચ્ચ પદ માટે જેમને મેન્ડેટ આપવાનું જણાવાયું હશે... વ્હીપ મુજબ અન્ય સભ્યો તેની તરફેણમાં મતદાન કરશે અને બાદમાં મેયર, ડે. મેયર, સ્ટે ચેરમેન જાહેર કરવામાં આવશે. અન્ય સભ્યોને તો પોતાના પદ કે હોદ્દાની જાણ પણ થઈ ગઈ હશે પોતાને મળેલ મેન્ડેટથી અને આ રીતે ચુંટણી સંપન્ન થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી કોર્પોરેશન બન્યા બાદ આ પ્રથમ ચુંટણી હોવાના કારણે રાજકીય પક્ષ, મતદારો તમામમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો કારણકે, કોર્પોરેશન બન્યા બાદ સરકારની ખુબ ગ્રાન્ટ આવે, વિકાસના કામોને નવો વેગ મળે, પ્રાથમિક જરૂરિયાતો બાબતે પણ ધક્કા ખાવામાંથી મુક્તિ મળે આવી ઘણી અપેક્ષાઓને લઇ ઉત્સાહ હતો અને લોકોએ ખોબલે ખોબલે મત આપી ભાજપને ૫૨ ને ૫૨ સીટો આપી.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
