તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
સાંસદના જાતીય સતામણીના આક્ષેપોને લઈ મોરબીમાં મહિલા ભાજપ દ્વારા દ્વારા કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન.
પીડિત 11 વિદ્યાર્થિનીઓને ન્યાય અપાવવાની માંગ : કોંગ્રેસ નેતાઓની ચુપકીદી સામે ઉઠાવ્યા સવાલો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વિપક્ષના એક સાંસદ અને યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા 11 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે કરવામાં આવેલી કથિત જાતીય સતામણી અને શારીરિક શોષણના ગંભીર આક્ષેપો બાદ આ મામલે વિપક્ષના ટોચના નેતાઓની ચુપકીદી સામે મોરબી જિલ્લા ભાજપના મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજી હાય હાયના નારા લગાવાયા હતા. સાથે પીડિત દીકરીઓને સત્વરે ન્યાય મળે તેવી માંગ સાથે મહિલા કાર્યકરોએ કોંગ્રેસના બંધ કાર્યાલય સામે બેસીને વિરોધ નોંધાવ્યો હતો.
ભાજપ મહિલા મોરચા મોરબી જિલ્લા દ્વારા મોરબીના માધવ માર્કેટ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સામે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં ધરણા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા મોરચાના પ્રમુખ જયશ્રીબેન સિનોજીયાની આગેવાનીમાં કરાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ કોંગ્રેસ પાર્ટી હાય હાય અને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવીને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સાંસદ અને પ્રોફેસર અગોમચા બીમોલ અકોઈજમ સામે 11 વિદ્યાર્થિનીઓએ જાતીય સતામણી અને શારીરિક તેમજ માનસિક શોષણના ગંભીર આરોપો લગાવ્યા છે. આટલા ગંભીર આક્ષેપો હોવા છતાં કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી સંપૂર્ણપણે મૌન સેવી રહ્યા છે. મહિલાઓએ સવાલ ઉઠાવ્યો હતો કે દીકરીઓને પોતાની બહેન ગણાવતા રાહુલ ગાંધી પોતાના જ પક્ષના સાંસદ સામે કાર્યવાહી કેમ નથી કરતા?.
મહિલા મોરચાના કાર્યકરોએ બંધ કોંગ્રેસ કાર્યાલય સામે બેસીને વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે જો આ 11 દીકરીઓને અને તેમના વાલીઓને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં મહિલાઓ રસ્તા પર ઉતરીને વધુ ઉગ્ર આંદોલન કરશે. શિક્ષક એ ગુરુ સમાન છે અને જો ગુરુ જ દીકરીઓની આબરૂ લૂંટે તો સમાજ ક્યાં જશે તેવો પ્રશ્ન પણ મહિલા આગેવાનોએ ઉઠાવ્યો હતો
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
