તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
આદિપુરમાં પ્રેમજાળમાં ફસાવી ગેરેજ સંચાલક યુવાન પાસેથી ૩૪.૫૦ લાખ પડાવનાર મહિલા સામે ગુનો દાખલ: ત્રાસથી કંટાળી યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
મકાન, ફર્નિચર, આઈફોન અને રોકડ રકમ પડાવ્યા બાદ પણ મહિલા કરતી હતી અસહ્ય બ્લેકમેલ; હોસ્પિટલમાંથી સાજા થઈ યુવાને નોંધાવી પોલીસ ફરિયાદ

આદિપુર : કચ્છના આદિપુર શહેરમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આદિપુરના એક ગેરેજ સંચાલક યુવાનને પ્રેમજાળ અને મીઠી વાતોમાં ભોળવીને કિડાણામાં મકાન ખરીદ કરાવી, તેમાં મોંઘું ફર્નિચર કરાવી, તેમજ મોંઘોદાટ આઈફોન અને વાહન પડાવી લઈ કુલ રૂ. ૩૪,૫૦,૨૬૦ ની જંગી રકમની છેતરપિંડી આચરવા બદલ કિડાણાની એક મહિલા વિરુદ્ધ આદિપુર પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહિલાના સતત માનસિક ત્રાસ, ધમકીઓ અને આર્થિક બરબાદીથી કંટાળીને આ યુવાને ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો, સદભાગ્યે સારવાર મળતાં તેનો જીવ બચી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, આદિપુરના ૪-બી વિસ્તારમાં રહેતા ફરિયાદી વિજય અમરશી સોલંકી અગાઉ ટાગોર રોડ પર 'શિણાય ઓટો' નામે ગેરેજ ચલાવતા હતા. આ ગેરેજમાં વીમા કોલિંગના કામ અર્થે તેમણે કિડાણા વિસ્તારમાં રહેતી શબનમ અયુબ પઠાણ નામની મહિલાને નોકરી પર રાખી હતી. શરૂઆતમાં આ મહિલા ઘરેથી ટિફિન લાવી સ્ટાફને જમાડતી અને ધીમે-ધીમે યુવાનનો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળ રહી હતી. સમય જતાં બંને વચ્ચે મિત્રતા વધી અને તેઓ બહાર હોટેલમાં જમવા તથા ફરવા પણ જવા લાગ્યા હતા.
આ દરમિયાન ગેરેજના સ્ટાફના રહેવા માટે ફરિયાદી મકાનની શોધમાં હતા, ત્યારે ચાલાક મહિલા શબનમે પોતાની બાજુમાં પિંકસિટી-કિડાણા ખાતે આવેલું મકાન નંબર ૧૯૨ ખરીદવા માટે જણાવ્યું હતું. સાટાખતથી આ મકાન ખરીદ્યા બાદ મહિલાએ એવી વાતો કરી કે તે પોતે જ આ મકાન રાખવા માંગે છે, પરંતુ હાલ નાણાકીય સગવડ ન હોવાથી દસ્તાવેજ પોતાના નામે થઈ જાય તે માટે ઉછીના રૂપિયા આપવા ફરિયાદીને વિનંતી કરી હતી. તેણે પોતાનો પરિવાર આર્થિક રીતે સધ્ધર હોવાનો દંભ કરીને યુવાનને પૂરેપૂરો વિશ્વાસમાં લીધો હતો.
મહિલાની વાતોમાં ફસાઈને ભોળા યુવાને મકાનના તમામ રૂપિયા ચૂકવી દીધા હતા અને ત્યારબાદ તે મકાન ઉપર નવો માળ બનાવી તેમાં લાખ્ખો રૂપિયાનું મોંઘું ફર્નિચર પણ કરાવી આપ્યું હતું. એટલું જ નહીં, મહિલાએ સમયાંતરે ફરિયાદી પાસેથી ઓનલાઈન રૂ. ૨,૩૧,૧૪૦ મેળવ્યા હતા તેમજ દબાણ કરીને મોંઘોદાટ આઈફોન અને સુઝુકી એક્સેસ સ્કૂટર પણ ખરીદાવડાવ્યા હતા. આમ અલગ-અલગ માધ્યમોથી કુલ રૂ. ૩૪,૫૦,૨૬૦ ની મસમોટી રકમ પડાવી લેવામાં આવી હતી.
જ્યારે યુવાને પોતાની નીકળતી તમામ રકમ અને ખર્ચેલા નાણાં પરત માંગવાનું શરૂ કર્યું, ત્યારે મહિલાએ પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કરી દીધું હતું. તે રૂપિયા પરત આપવાના બદલે ઉલટી ધમકીઓ આપવા લાગી કે, "હું તને સમાજમાં બદનામ કરી નાખીશ, પોલીસ કેસ કરીને લાંબા સમય સુધી જેલમાં સુંવાડી દઈશ તેમજ પોતે ઝેરી દવા પીને આપઘાત કરી લઈશ અને સુસાઇડ નોટમાં તારું તથા તારા પરિવારનું નામ લખી દઈશ." આ પ્રકારની ગંભીર ધમકીઓથી યુવાન માનસિક રીતે ભાંગી પડ્યો હતો.
સતત આર્થિક તંગી અને મહિલાના દૈનિક માનસિક ત્રાસના કારણે યુવાનનો પોતાનો ગેરેજ ધંધો પણ તદ્દન ઠપ્પ થઈ ગયો હતો. આ અસહ્ય ત્રાસ અને ચિંતા સહન ન થતાં આખરે ગત તા. ૮ ઓક્ટોબરના રોજ વિજયભાઈએ પોતાના ઘરે ફિનાઈલ ગટગટાવીને આપઘાતનો ગંભીર પ્રયાસ કર્યો હતો. પરિવારે તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં સમયસર સારવાર મળવાથી તેમનો જીવ બચી ગયો હતો. હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને બહાર આવ્યા બાદ તેમણે આદિપુર પોલીસ મથકે પહોંચીને શબનમ અયુબ પઠાણ વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી અને મજબૂર કરવા અંગેની કલમો હેઠળ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આ મામલે કાયદેસરની સઘન તપાસ શરૂ કરી છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
