News of Thursday, 7th May 2026
સૌરાષ્ટ્રના ચોમાસા પર ‘અલ-નીનો'નું ગ્રહણ લાગશે? : બંગાળની ખાડીની સિસ્ટમ્સ અને અરબી સમુદ્રની જુગલબંધી તારણહાર બનશે!
આઇએમડીના એપ્રિલના તારણો ભલે મિશ્ર હોય, પણ સૌરાષ્ટ્રનું ભૌગોલિક સ્થાન અને સમુદ્રી કરંટ હંમેશા ‘ગેમ ચેન્જર' સાબિત થયા છે, મે અંતમાં આવનાર રિપોર્ટ નિર્ણાયક રહેશે : હવામાન ખાતાના પૂર્વ અધિકારી એન.ડી. ઉકાણી

રાજકોટ : ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા એપ્રિલના મધ્યમાં જાહેર કરવામાં આવેલા લાંબા ગાળાના પૂર્વાનુમાન (એલપીએ) મુજબ, ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં સારા વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. જયારે હાલના અનુમાનો મુજબ દેશ લેવલે ઓછા વરસાદની સંભાવના છે. રાજકોટ હવામાન ખાતાના પૂર્વ અધિકારી એન.ડી. ઉકાણીના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રનું ચોમાસું માત્ર ગ્લોબલ પરિબળો પર નહીં, પરંતુ સ્થાનિક સમુદ્રી ગતિવિધિઓ પર વધુ નિર્ભર રહે છે.
છેલ્લા એક દાયકાના ડેટાનું વિશ્લેષણ કરતા એન.ડી. ઉકાણી જણાવે છે કે, બંગાળની ખાડીમાં સર્જાતી લો-પ્રેશર કે ડિપ્રેશનની સિસ્ટમો મધ્ય ભારત થઈને જ્યારે ગુજરાત તરફ આગળ વધે છે, ત્યારે તેને અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનોનો ભરપૂર સપોર્ટ મળે છે. આ એક એવી આદર્શ સ્થિતિ છે જે સૌરાષ્ટ્રમાં‘અલ-નીનો' જેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સારો વરસાદ ખેંચી લાવવા માટે સક્ષમ છે.
મોટાભાગની સિસ્ટમો સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થતી હોવાથી અહીં વરસાદની તીવ્રતા જળવાઈ રહે છે.
અરબી સમુદ્રના કરંટ (Sea Currents) સમયસર સક્રિય થાય તો તે નબળા ચોમાસાને પણ મજબૂત બનાવી શકે છે.
ઇતિહાસ સાક્ષી છે કે ઘણા ‘અલ-નીનો' વર્ષોમાં પણ સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગનું મે મહિનાના અંતમાં આવનારું બીજું પૂર્વાનુમાન ખૂબ જ મહત્વનું છે. તેમાં વરસાદનું ચોક્કસ વિતરણ અને તારીખની સ્પષ્ટતા થશે, જે ખેડૂતો અને વહીવટીતંત્ર માટે માર્ગદર્શક બનશે.
હાલમાં જે તારણો છે તે પ્રાથમિક છે. મે મહિનાના અંતમાં જ્યારે આઇએમડી તેનું અપડેટેડ પૂર્વાનુમાન જાહેર કરશે, ત્યારે તેમાં સમુદ્રી સપાટીના તાપમાન અને પવનોની દિશાનું વધુ સચોટ ચિત્ર સ્પષ્ટ થશે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ ચિંતા કરવાને બદલે આ વૈજ્ઞાનિક વિશ્લેષણને ગંભીરતાથી લઈ વાવણીનું આયોજન કરવું જોઈએ.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
