News of Saturday, 17th October 2026
ખેડૂત આંદોલનનો સુખદ અંત આવશે ? ગાંધીનગરમાં ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે અઢી કલાક લાંબી ચાલી મિટિંગ.
ઉમિયાધામ-સિદસરના ઉપપ્રમુખ બન્યા મધ્યસ્થી : 20 ખેડૂત પ્રતિનિધિઓએ 24 મુદાઓની રજુઆત કરી, કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી આ રજુઆત મુખ્યમંત્રી સુધી પહોંચાડી આગળનો નિર્ણય કરશે જાહેર.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વીજલાઈનના વળતર મુદે ખેડૂતો દ્વારા લાંબા સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પ્રથમવાર આજે ખેડૂત આગેવાનોએ ગાંધીનગર જઈ સરકાર સાથે અઢી કલાક જેટલી લાંબી મેરેથોન મિટિંગ કરી હતી. જેમાં ઉમિયાધામ-સીદસરના ઉપપ્રમુખ મધ્યસ્થી બન્યા છે. હાલ સરકારે ખેડૂતોના તમામ મુદાઓ સાંભળ્યા છે. હવે સરકાર જો ખેડૂત તરફે નિર્ણયો જાહેર કરે છે તો આંદોલનનો સુખદ અંત આવી શકે છે.
જેતપરના ખેડૂત આગેવાન નેહુલભાઈ અમૃતિયાએ જણાવ્યું કે ગાંધીનગરમાં ઉર્જા મંત્રી, કૃષિ મંત્રી અને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે ર0 જેટલા ખેડૂત પ્રતિનિધિઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ર૪ જેટલા મુદ્દાઓ પર ખેડૂતોએ પોતાની રજૂઆત કરી હતી. ઉમિયાધામ-સિદસરના ઉપપ્રમુખ આ બેઠકમાં મધ્યસ્થી તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે. આશરે અઢી કલાક ચાલેલી આ બેઠકમાં તમામ મુદ્દાઓ પર ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સરકારે ખેડૂતોની રજૂઆતો સાંભળીને આ તમામ મુદ્દાઓ હવે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ખેડૂતોને વધુ ચર્ચા માટે બોલાવવામાં આવશે અને સરકાર ખેડૂતોની માંગણીઓ અંગે પોતાનો નિર્ણય જણાવશે. આ બેઠકમાં ખેડૂતોને આશા છે કે સરકાર તેમની માંગણીઓને સંતોષકારક રીતે ઉકેલશે.
આ બેઠકમાં મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવનાર ઉમિયાધામ-સિદસરના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે ખેડૂતોની સમસ્યાઓને ઉકેલવા માટે સરકાર અને ખેડૂતો વચ્ચે સકારાત્મક સંવાદ જરૂરી છે. તેમણે ખેડૂતોની વેદનાઓને સરકાર સુધી પહોંચાડવા માટે એક સામાજિક જવાબદારી તરીકે મધ્યસ્થીની ભૂમિકા સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે આ બેઠકમાં તમામ મુદ્દાઓ પર તકનીકી રીતે ચર્ચા કરવામાં આવી છે અને સરકાર દ્વારા ખેડૂતોની સમસ્યાઓને ઉકેલવા માટે સકારાત્મક અભિગમ દર્શાવવામાં આવ્યો છે.
આ બેઠક બાદ ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે કે સરકાર તેમની માંગણીઓને ઉકેલવા માટે યોગ્ય પગલાં લેશે. આગામી સમયમાં મુખ્યમંત્રી સાથેની ચર્ચા બાદ આ મુદ્દે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે તેવી અપેક્ષા છે. આ ઘટનાક્રમ ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે વીજ પોલ અંગેની માંગણીઓ લાંબા સમયથી પડતર છે. ખેડૂતો હવે સરકારના આગામી નિર્ણયની રાહ જોઈ રહ્યા છે
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
