<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

જેતપર ખેડૂત આંદોલનને અન્ય ગામોનું વ્યાપક સમર્થન : ખેડૂતોની માંગણીઓ નહીં સંતોષાય તો અદેપર ગામના સરપંચ જનકસિંહ ઝાલા સોમવારે ઉપવાસ છાવણીના મંચ પરથી રાજીનામું આપી દેશે તેવી ચીમકી

સરપંચ અને તમામ ચૂંટાયેલા સભ્યો સામૂહિક રાજીનામું આપવા મજબૂર થશે તેવી જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને પત્ર લખીને અપાયેલી ખુલ્લી ચેતવણી : વીજલાઇન મુદ્દે ચાલી રહેલી લડતમાં સરપંચ ગ્રુપના મેસેજ બાદ લેવાયો મોટો નિર્ણય

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી:મોરબી તાલુકાના જેતપર ગામે ખેતરોમાં વીજલાઇન નાખવાની કામગીરી સામે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે અને તેને હવે આસપાસના અન્ય ગામોમાંથી પણ ભારે જનસમર્થન મળી રહ્યું છે. આ લડતમાં ખેડૂતોના સમર્થનમાં આગળ આવતા અદેપર ગ્રામ પંચાયતના સરપંચ જનકસિંહ ઝાલાએ સરકાર સામે લડાયક મૂડ અખત્યાર કરીને ૨૯ જૂન ૨૦૨૬ અને સોમવારના રોજ જેતપર ખાતે ઉપવાસ છાવણીના સ્ટેજ ઉપરથી જ પોતાનું રાજીનામું આપી દેવાની ગંભીર ચીમકી ઉચ્ચારી છે, જેને પગલે વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

 

સરકાર માંગ નહીં સ્વીકારે તો મંચ પરથી જ તાત્કાલિક રાજીનામું - વિડીયો સંદેશ:

અદેપર ગ્રામ પંચાયતના સરપંચ જનકસિંહ ઝાલાએ એક વિડીયો સંદેશ જાહેર કરીને આંદોલનને વેગ આપતી મહત્વની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, મોરબી જિલ્લા સરપંચ ગ્રુપમાં આવેલા મેસેજ અને ચર્ચા મુજબ તેઓ ૨૯ જૂન ૨૦૨૬ ને સોમવારના રોજ જેતપર મુકામે ચાલી રહેલા ખેડૂત આંદોલનની મુલાકાત લેશે અને ત્યાં હાજરી આપશે. તેમણે સરકારને ખુલ્લી ચેતવણી આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો સરકાર દ્વારા આંદોલન કરી રહેલા ખેડૂતોની વાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ જેતપર ખાતે આંદોલનના મંચ પરથી જ તાત્કાલિક પ્રભાવથી પોતાનું રાજીનામું આપી દેશે.

 

સરપંચ સહિત તમામ સભ્યો સામૂહિક રાજીનામું આપશે, ડીડીઓ શાસનને પત્ર:

આ આંદોલન ઉગ્ર બને તેવા સંકેતો આપતા સરપંચ દ્વારા મોરબી જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને એક સત્તાવાર પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને અદેપર ગ્રામ પંચાયત તરફથી સંપૂર્ણ અને સક્રિય સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. જો ખેડૂતોની માંગણીઓનો વહેલી તકે યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે, તો માત્ર સરપંચ જ નહીં પરંતુ અદેપર ગ્રામ પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યો પણ ખેડૂતોના હિતમાં સામુહિક રાજીનામું આપવા માટે મજબૂર બનશે. પત્રમાં ભારપૂર્વક માંગ કરવામાં આવી છે કે ખેડૂતોના વ્યાપક હિત અને ન્યાયને ધ્યાનમાં રાખીને સરકારે વિલંબ કર્યા વિના તાત્કાલિક યોગ્ય અને હકારાત્મક નિર્ણય લેવો જોઈએ.

(5:24 PM IST)