<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

કચ્છના સફેદ રણ, રોડ ટુ હેવન અને ધોરડો રણોત્સવનો વિસ્તાર ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ જાહેર

આપણા પ્રવાસન સ્થળોની પ્રાકૃતિક સુંદરતા અને પર્યાવરણનું આપણે જવાબદારીપૂર્વક જતન કરીએ, પ્લાસ્ટિકની બોટલો, કોથળીઓ સહિતની સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓ ફેંકવા પર પ્રતિબંધ, ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪ : કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણ, પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા ‘રોડ ટુ હેવન’ અને ધોરડો ખાતે યોજાતા રણ ઉત્સવના વિસ્તારોની પ્રાકૃતિક સુંદરતા, સ્વચ્છતા અને પર્યાવરણીય સમતુલા જાળવવાના હેતુથી આ ત્રણેય વિસ્તારોને ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે. કચ્છના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડીયાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ વિસ્તારોમાં પ્લાસ્ટિકની બોટલો, કોથળીઓ તેમજ અન્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ જાહેરમાં ફેંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે. કચ્છ જિલ્લો ભૌગોલિક વૈવિધ્ય અને કુદરતી સૌંદર્યને કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવે છે. ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાજ્ય સરકારના સહયોગથી દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટે છે. રણ ઉત્સવની મુલાકાતે આવતા પ્રવાસીઓ ખડીર વિસ્તારમાં આવેલા સફેદ રણમાંથી પસાર થતા ‘રોડ ટુ હેવન’ની પણ મુલાકાત લેતા હોય છે. આ ત્રણેય સ્થળો પર્યાવરણીય દૃષ્ટિએ સંવેદનશીલ હોવાથી પ્રવાસીઓ દ્વારા પ્લાસ્ટિકનો કચરો ફેંકાતો અટકાવવો અનિવાર્ય બન્યો છે.

જાહેરનામા મુજબ ધોરડો રણ ઉત્સવ વિસ્તારમાં સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર સુધીના રસ્તા તથા તેની બંને તરફના બે-બે કિલોમીટરના વિસ્તારનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત વોચ ટાવરની આસપાસનો સફેદ રણ વિસ્તાર તેમજ ‘રોડ ટુ હેવન’ (NH-754K) પર કાઢવાંઢ, તા. ભુજથી ધોળાવીરા ગામના એન્ટ્રી પોઇન્ટ સુધીનો રસ્તો, તેની બંને બાજુના રણ વિસ્તાર અને તેને સંલગ્ન રણમાં ભરાયેલા પાણીના વિસ્તારોમાં પણ પ્રતિબંધ લાગુ રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હુકમનો અમલ કરાવવા તેમજ ભંગ બદલ કાર્યવાહી કરવા હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. આ જાહેરનામું તા. ૩૦-૧૨-૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

કચ્છની અમૂલ્ય કુદરતી ધરોહર અને પ્રવાસન સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે. પ્રવાસીઓ પણ પ્લાસ્ટિકનો કચરો જ્યાં ત્યાં ન ફેંકે અને જવાબદાર પ્રવાસનનો અભિગમ અપનાવે તે સમયની માંગ છે.

(9:14 AM IST)