<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

સફેદ કોટ માત્ર પહેરવેશ નહીં, સેવા અને વિશ્વાસનો સંકલ્પ

ભુજની અદાણી મેડિકલ કોલેજની ૧૮મી બેચના ૧૫૦ MBBS વિદ્યાર્થીઓએ વ્હાઇટ કોટ સાથે મહર્ષિ ચરકના શપથ લઈ તબીબી શિક્ષણ સફરનો કર્યો શુભારંભ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯ : કચ્છની અદાણી મેડિકલ કોલેજ, ભુજ ખાતે વર્ષ ૨૦૨૬નો ૧૮મો વ્હાઇટ કોટ સમારંભ યોજાયો હતો. જેમાં ૧૫૦ વિદ્યાર્થીઓએ સફેદ કોટ ધારણ કરી મહર્ષિ ચરકના આદર્શોનું અનુસરણ કરવા શપથ લીધા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ સફેદ કોટને સેવા, સમર્પણ અને વિશ્વાસનું પ્રતીક ગણાવ્યો હતો. કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી પ્રારંભ થયો હતો. અદાણી હેલ્થકેર ગ્રુપના CEO પ્રશાંત ઝવેરીએ ભુજ સ્થિત ગેઇમ્સમાં તબીબી શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં રોકાણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે નવોદિત વિદ્યાર્થીઓને જીવનમાં મજબૂત મૂલ્યો કેળવવા અને આરોગ્યસેવાને ઉમદા વ્યવસાય તરીકે અપનાવવા અનુરોધ કર્યો હતો.

ગેઇમ્સના મેડિકલ ડિરેક્ટર ડો. નરેન્દ્ર હિરાણીએ જણાવ્યું હતું કે સંસ્થા સુપર સ્પેશિયાલિટી સેવાઓની દિશામાં આગળ વધી રહી છે. તેમણે વિદ્યાર્થીઓને શિસ્ત જાળવવા પ્રેરિત કરતાં કહ્યું હતું કે શિસ્ત વિના ઉત્તમ ડોક્ટર બની શકાય નહીં. અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ, મહારાષ્ટ્રના ડિરેક્ટર ડો. ચંદ્રશેખર મહાકાલકરે દર્દીની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અને સારવારમાં ક્યારેય બાંધછોડ ન કરવા જણાવ્યું હતું. તેમણે દર્દીના પરિવારજનોની લાગણીઓ સમજી સમાજની સેવા કરવાનો સંદેશ આપ્યો હતો.

પ્રારંભમાં કોલેજના ડીન ડો. અજીત ખીલનાનીએ વિદ્યાર્થીઓ અને વાલીઓનું સ્વાગત કરી ગેઇમ્સની પ્રગતિ તથા વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. આસિ. ડીન ડો. અમિત મહેશ્વરીએ વિદ્યાર્થીઓને મહર્ષિ ચરકના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે વિવિધ બેચના વિદ્યાર્થીઓને એકેડેમિક એચિવર્સ એવોર્ડ એનાયત કરાયા હતા. ૨૦૨૬ની બેચના મોગલ સૈફવિન અને સંસ્કૃતિ દેત્રોજાએ પ્રતિભાવો રજૂ કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. ફેકલ્ટી સભ્યો અને વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કાલિન્દી રાજગોર અને શુભમ પોંકિયાએ કર્યું હતું, જ્યારે ઇવેન્ટ મેનેજમેન્ટની જવાબદારી ડો. પારસ પારેખ અને ડો. મોનાલી જાનીએ સંભાળી હતી.

*કચ્છ માટે ગૌરવની ક્ષણ: ૪૩ વિદ્યાર્થીઓએ સફેદ કોટ પહેર્યો :ભુજના સૌથી વધુ ૨૩*

અદાણી મેડિકલ કોલેજ, ભુજ ખાતે યોજાયેલા વ્હાઇટ કોટ સમારંભમાં કુલ ૧૫૦ વિદ્યાર્થીઓ પૈકી કચ્છ જિલ્લાના ૪૩ વિદ્યાર્થીઓએ સફેદ કોટ ધારણ કરી તબીબી કારકિર્દીની શરૂઆત તરફ પગરણ માંડ્યા હતા, જે કચ્છ માટે ગૌરવની વાત છે. જેમાં ભુજના ૨૩, અંજારના ૪, મુંદ્રા અને માંડવીના ૩-૩, આદિપુર, ભચાઉ અને નખત્રાણાના ૨-૨, જ્યારે માધાપર, નલિયા, રાપર અને સુખપરના ૧-૧ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આમ હવે કચ્છ મેડિકલ ક્ષેત્રે પણ અગ્રેસર બનવા તરફ આગળ વધી રહ્યું છે.

(9:32 AM IST)