<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

જ્યાં શબ્દો ઓછા પડ્યા, ત્યાં લાગણી બોલી ઉઠી: ભુજની લાલન કોલેજના વિદ્યાર્થીઓએ માનસિક દિવ્યાંગો અને વૃદ્ધો સાથે વહેંચી સ્નેહની હૂંફ

કોલેજીયન છાત્રોએ માનવજ્યોત સંચાલિત પાલારા સેવાશ્રમની મુલાકાત લઈ માનસિક દિવ્યાંગ આશ્રિતો સાથે ગોષ્ઠી, ભજન-કીર્તન અને આત્મીય સંવાદથી એકલતાની દીવાલ તોડી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ : જીવનમાં ક્યારેક કોઈને ભવ્ય ભેટની નહીં, માત્ર બે પ્રેમાળ શબ્દોની અને થોડાક સમયની હૂંફની જરૂર હોય છે. આવી જ માનવીય સંવેદનાનો સુંદર અનુભવ શ્રી આર.આર. લાલન કોલેજ, ભુજના એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓએ કરાવ્યો હતો. કોલેજના નેશનલ સર્વિસ સ્કીમ યુનિટ-1 અને 2 દ્વારા માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત માનસિક દિવ્યાંગોના શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ તથા શ્રી એમ.એલ. ભક્તા વડીલોનો વિસામોની મુલાકાત લઈ આશ્રિતો સાથે આત્મીય ગોષ્ઠી કરવામાં આવી હતી. લાલન કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર ડો. મેહુલ શાહ, ડો. રમેશ વરચંદ અને ડો. હેતલ મેરીયાના માર્ગદર્શન હેઠળ ગ્રુપ લીડર લક્ષ ઓઝા તેમજ કાર્યકરો પ્રકાશ મારવાડા અને ખુશીબેન વરસાણીની આગેવાનીમાં કોલેજના ૨૭ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ બંને સેવાશ્રમના આશ્રિતો સાથે હૃદયપૂર્વક વાર્તાલાપ કર્યો હતો.

વિદ્યાર્થીઓએ માત્ર મુલાકાત પૂરતી વાત ન રાખતા આશ્રિતો સાથે બેસીને તેમની વાતો સાંભળી, લાગણીસભર સંવાદ કર્યો અને પ્રેમ તથા હૂંફની અનુભૂતિ કરાવી હતી. ભજન-કીર્તનના માધ્યમથી વાતાવરણ વધુ ભાવસભર બન્યું હતું. વિદ્યાર્થીઓએ આશ્રિતો સાથે ભજન ગાયા તો આશ્રમના વડીલો અને અન્ય આશ્રિતોએ પણ પોતાની રચનાઓ રજૂ કરી હતી. લાંબા સમય બાદ મળેલી આવી આત્મીય સંગતથી વડીલોના ચહેરા પર આનંદની ઝલક જોવા મળી હતી અને તેમણે ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ મુલાકાતે વિદ્યાર્થીઓને પણ જીવનના એવા પાઠ શીખવ્યા, જે કદાચ કોઈ પાઠ્યપુસ્તકમાં ન મળે. સમય, સંવાદ અને લાગણીની નાની અમથી ભેટ કોઈના જીવનમાં કેટલી મોટી ખુશી લાવી શકે છે તેનો પ્રત્યક્ષ અનુભવ વિદ્યાર્થીઓએ કર્યો હતો.

માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે બંને આશ્રમોની મુલાકાતે આવેલા વિદ્યાર્થીઓને સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમની વ્યવસ્થા પંકજ કુરુવા, દિલીપ લોડાયા, દેવેન્દ્ર જીવાણી, રીતુબેન વર્મા, ચાંદુભા ચૌહાણ તથા મનીષ મારાજે સંભાળી હતી. આ મુલાકાતે એક સુંદર સંદેશ આપ્યો કે સેવા હંમેશા વસ્તુઓ આપવાથી જ થતી નથી; ક્યારેક કોઈની પાસે બેસીને તેને સાંભળવું, તેની સાથે હસવું અને પ્રેમથી બે શબ્દો બોલવા એ પણ સૌથી મોટી સેવા બની જાય છે.

(9:37 AM IST)