તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
જ્યારે સરહદી કચ્છ જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી યુનિવર્સિટી પહોંચી: ૫ એક્સટેન્શન સેન્ટર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ટમટમતી ઉચ્ચ શિક્ષણની જ્યોત
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીની શૈક્ષણિક ક્રાંતિ, દીકરીઓને ઘર આંગણે ઉચ્ચ અભ્યાસની તક

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ એ ભારત દેશના સૌથી મોટો ભૌગોલિક વિસ્તાર ધરાવતા જિલ્લાની એકમાત્ર યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટી સાથે કચ્છ વિસ્તારમાં ૫૦ થી વધારે સરકારી અને ખાનગી કોલેજો સંલગ્ન છે, જેમાં ૨૫,૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓ સ્નાતક, અનુસ્નાતક, Ph.D., ડિપ્લોમા અને સર્ટિફિકેટ જેવા વિવિધ કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે.
કચ્છ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ વિસ્તારની સરખામણીમાં ખૂબ જ ઓછી માત્રામાં ઉપલબ્ધ છે. આ સંસ્થાઓ માત્ર સીમિત વિસ્તારોમાં જ આવેલી છે. હજુ પણ કચ્છમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં ૩૦ કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ પણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાન નથી. લાંબી મુસાફરી અને અન્ય ભૌગોલિક પડકારોને કારણે આ વિસ્તારોના વિદ્યાર્થીઓ—ખાસ કરીને દીકરીઓ—ભણવાની ઈચ્છા અને ક્ષમતા હોવા છતાં અભ્યાસ છોડી દેવા મજબૂર હતા. પરિણામે, કચ્છ વિસ્તારનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (G.E.R.) નીચો રહ્યો છે અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓનું અન્ય જિલ્લાઓ/રાજ્યોમાં સ્થળાંતર થઈ જતું હતું.
કચ્છ યુનિવર્સિટીના કાયમી કુલપતિ ડૉ. મોહનભાઈ પટેલ અને કુલસચિવ ડૉ. અનિલ ગોરે જ્યારે જવાબદારી સંભાળી ત્યારથી જ કચ્છના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ માટે હકારાત્મક પ્રયાસો હાથ ધર્યા છે. કચ્છના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં પડતી તકલીફો દૂર થાય અને વિદ્યાર્થીઓનું સ્થળાંતર ઘટે તે દિશામાં નક્કર પગલાં લેવાયા છે.
ખાસ કરીને આપણા દેશના લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ કે દેશ અને કચ્છ વિસ્તારનો G.E.R. વધતો રહે, 'સૌનો સાથ-સૌનો વિકાસ' મંત્ર ચરિતાર્થ થાય, દીકરીઓ વધુમાં વધુ ભણે અને 'આત્મનિર્ભર ભારત' તેમજ 'વિકસિત ભારત@૨૦૪૭'ની નેમને સાકાર કરવામાં કચ્છ યુનિવર્સિટી અને કચ્છ વિસ્તારનું મોટી માત્રામાં યોગદાન રહે, તે ઉત્તમ હેતુથી વર્ષ ૨૦૨૪ માં યુનિવર્સિટી દ્વારા 'એક્સટેન્શન સેન્ટર્સ' ખોલવાનો અનોખો સંકલ્પ લેવામાં આવ્યો.
જે વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે દૂર ન જઈ શકે ત્યાં યુનિવર્સિટી પોતે જ અંતરિયાળ વિસ્તારોમાં જઈને શિક્ષણ આપે છે. દર અઠવાડિયાના શનિ-રવિવારે કચ્છ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને Ph.D. કરતા વિદ્યાર્થીઓ સેન્ટર પર રૂબરૂ જઈને આખો દિવસ ભણાવે છે. આખા અઠવાડિયા દરમિયાન બાકીના લેક્ચર્સ અને અસાઇનમેન્ટ્સ ઓનલાઇન માધ્યમથી ચલાવવામાં આવે છે. આ વિદ્યાર્થીઓને રેગ્યુલર ડિગ્રી એનાયત કરવામાં આવે છે.
પ્રારંભિક તબક્કે યુનિવર્સિટી દ્વારા પાનધ્રો, ગઢશીશા, આડેસર, ખાવડા અને ધોળાવીરા ખાતે ૫ એક્સટેન્શન સેન્ટર શરૂ કરાયા. આ માટે કલેક્ટરશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, અને સામાજિક આગેવાનોના સહયોગથી સરકારી શાળાઓ અને ખાનગી ટ્રસ્ટની જગ્યાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી. આ પ્રોજેક્ટ માટે FOKIA, કચ્છના સાંસદશ્રી, ધારાસભ્યો અને કલેક્ટરશ્રીની મદદ અને પ્રેરણાથી અદાણી ફાઉન્ડેશન, એગ્રોસેલ પ્રા. લિ., સુમિટોમો કેમિકલ, માતૃ વંદના N.G.O. (બિદડા) અને શ્રીરામ કેમફૂડ પ્રા. લિ. દ્વારા માતબર અનુદાન પ્રાપ્ત થયું. ઉપરાંત અધ્યાપકોની મુસાફરી માટે P.G.V.C.L. (રાજકોટ), પી.સી. પટેલ ઇન્ફ્રા પ્રા. લિ. તથા મહાલક્ષ્મી ઇન્ફ્રા કોન્ટ્રાક્ટ દ્વારા વાહનોની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
હાલ આ સેન્ટરોમાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ (જેમાં ૭૦% થી વધુ દીકરીઓ) અભ્યાસ કરી રહ્યા છે. આ ઉત્કૃષ્ટ મોડેલના કારણે યુનિવર્સિટીને ૨૧ વર્ષ બાદ NAAC ની માન્યતા મેળવવામાં મોટો ફાયદો થયો છે. સરકારશ્રી દ્વારા પણ આ વિશેષ પહેલની નોંધ લઈ ₹૯૪ લાખનું માતબર અનુદાન ફાળવવામાં આવ્યું છે. તાજેતરમાં, રજૂઆતો અને માનનીય શિક્ષણમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે જેવા આગેવાનોના પ્રયાસોથી ગઢશીશા એક્સટેન્શન સેન્ટર ખાતે નવી સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ મંજૂર કરવામાં આવી છે.
આગામી નવું શૈક્ષણિક સત્ર જૂન-૨૦૨૬ થી શરૂ થઈ રહ્યું છે. માનનીય શિક્ષણમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા અને કચ્છ વિસ્તારના ધારાસભ્યોના માર્ગદર્શનથી, આવનારા સત્રમાં ધોરડો, કોટડા-ચકાર, લૂણી અને લોડાઈ જેવા વિસ્તારોમાં નવા ૪ એક્સટેન્શન સેન્ટર્સ શરૂ થવા જઈ રહ્યા છે, જેમાં સ્કિલ-બેઝ્ડ (કૌશલ્ય આધારિત) અને વોકેશનલ શિક્ષણ પણ આપવામાં આવશે.
આગામી પ્રોજેક્ટ્સ માટે દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) દ્વારા પણ આ એક્સટેન્શન સેન્ટરો માટે બનતી અનુદાનની મદદ કરવાની ખાતરી આપવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં જ યુનિવર્સિટી દ્વારા MoU સાઇન કરીને આ એક્સટેન્શન સેન્ટરો શરૂ કરવામાં તેમનો સહયોગ પ્રાપ્ત થશે. વધુમાં, યુનિવર્સિટી ખાતે DPA પ્રાયોજિત 'અર્થ સાયન્સ ઇન્ક્યુબેશન સેન્ટર' (Earth Science Incubation Centre) સ્થાપિત કરવાની પહેલ પણ થશે, જે સમગ્ર દેશમાં એક અનોખો પ્રયાસ બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના કલેક્ટરશ્રી દ્વારા પણ આ એક્સટેન્શન સેન્ટરો અને પ્રોજેક્ટ માટે પૂરતો સાથ-સહકાર અને બનતી તમામ મદદ પૂરી પાડવાની વહીવટી ખાતરી આપવામાં આવી છે.
યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહનભાઈ પટેલ દ્વારા કચ્છના અંતરિયાળ વિસ્તારના અને અભ્યાસ માટે ઇચ્છુક વિદ્યાર્થીઓને આ એક્સટેન્શન સેન્ટરોમાં મોટી સંખ્યામાં પ્રવેશ લેવા માટે પ્રેરિત કરવામાં આવે છે.
આ એક્સટેન્શન સેન્ટર્સને સુચારુ રૂપથી ચલાવવા માટે વધુમાં વધુ કંપનીઓ અને દાતાશ્રીઓને યુનિવર્સિટી સમક્ષ અનુદાન આપવા માટે અપીલ કરવામાં આવે છે. આપ સૌનું આ યોગદાન કચ્છના સર્વાંગી શૈક્ષણિક વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
એડમિશન અને એક્સટેન્શન સેન્ટરને લગતી તમામ માહિતી ટૂંક સમયમાં જ યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવશે. ઇચ્છુક વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ખાતે રૂબરૂ આવીને પણ માહિતી મેળવી શકશે. વધુ અને સચોટ જાણકારી માટે યુનિવર્સિટી કેમ્પસ ખાતે 'એક્સટેન્શન સેન્ટર કો-ઓર્ડિનેટર' ડૉ. રામ સોંદરવાનો રૂબરૂ સંપર્ક કરી શકાશે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
