News of Thursday, 3rd September 2026
….જ્યારે કચ્છના નાનકડા એવા બાંભણકા ગામની ૪ વર્ષની ક્રિશાએ પહેલીવાર દુનિયાનો અવાજ સાંભળ્યો
પરિવારની આંખોમાં છલકાયા ખુશીના આંસુ, એક નાનકડા ગામની માસૂમ બાળકી માટે સરકારી આરોગ્ય સેવાની સમયસરની ઓળખ, સારવાર અને સંભાળે ઉજ્જવળ ભવિષ્યના નવા દ્વાર ખોલ્યા છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : કચ્છના ભચાઉ તાલુકાના દુર્ગમ ખડીર પંથકના બાંભણકા ગામની ચાર વર્ષની ક્રિશા નાગજીભાઈ મારાજ જન્મથી જ સાંભળી શકતી ન હતી. જોકે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) તેના માટે આશીર્વાદરૂપ બન્યો અને હવે ક્રિશા સાંભળતી થઈ ગઈ છે.
આંગણવાડીમાં આરોગ્ય તપાસ દરમિયાન RBSK ટીમને ક્રિશાની શ્રવણ ખામીની જાણ થતાં તાત્કાલિક પરિવારને માર્ગદર્શન આપી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. સતત ફોલોઅપ બાદ ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ તેનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યું. ખાસ વાત એ છે કે, અત્યંત ખર્ચાળ આ સારવાર સરકારની યોજના હેઠળ સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવી.
RBSK ભચાઉની ટીમના ડૉ. નિરાલીબા ઝાલા, ડૉ. તેજસ વ્યાસ તથા ટીમની સમયસરની તપાસ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નારાયણસિંઘના માર્ગદર્શનથી ક્રિશાને જિંદગીની નવી ભેટ મળી છે. દીકરી સાંભળતી થઈ એ જાણીને પરિવારની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતા.
એક નાનકડા ગામની માસૂમ બાળકી માટે સરકારી આરોગ્ય સેવાની સમયસરની ઓળખ, સારવાર અને સંભાળે ઉજ્જવળ ભવિષ્યના નવા દ્વાર ખોલ્યા છે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
