તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
પશ્ચિમ કચ્છ પોલીસે આંતરરાજ્ય ગુનાઓમાં સંડોવાયેલી કુખ્યાત ‘ચડ્ડીધારી’ ગેંગ ઝડપી
શરીરે તેલ લગાડી માત્ર ચડ્ડી પહેરી ચોરી કરનાર આ ગેંગ શિકાર શોધવા ગૂગલ મેપનો આશરો લેતી : તેમની અર્ટીગામાંથી રૂ.6 લાખ રોકડા અને ચોરીના હથિયારો મળ્યા, 4 રાજ્યોની 15થી વધુ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨ : કચ્છમાં ઘરફોડ ચોરીને અંજામ આપવા આવી રહેલી મધ્યપ્રદેશના ધાર જિલ્લાની કુખ્યાત ‘ચડ્ડીધારી ગેંગ’ને પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ચોરી પહેલાં જ ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. તુતરા ફાટક નજીકથી અર્ટીગા કારમાં સવાર ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ.6 લાખ રોકડા સહિત ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવ્યા હતા. પોલીસે ઝડપેલા આરોપીઓમાં રૂ.10 હજારના ઈનામી ગુનેગાર માનસિંહ ઉર્ફે માનીયો બાયસિંહ મોહનિયા સહિત દિનેશ ભેરુલાલ ચૌહાણ, સ્વરૂપસિંહ ભંગુસિંહ અલાબા, શકરુબનસિંહ આમલીયારા અને મોહબત ઈડુ મંડલોઈનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે. LCBની તપાસમાં ગેંગની સંડોવણી કચ્છના વાયોર, કોઠારા, નલીયા, પદ્ધર, માધાપર અને માંડવી ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારો તેમજ કર્ણાટક, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં થયેલી 15થી વધુ ઘરફોડ ચોરીઓમાં હોવાનું સામે આવ્યું છે. ચોરીમાં સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
*Google Mapsથી ટાર્ગેટ, રેકી બાદ ઝાડીઓમાં છુપાતા*
પોલીસ પૂછપરછમાં ગેંગની ચોરી કરવાની પદ્ધતિ પણ સામે આવી છે. ગેંગના સભ્યો Google Maps મારફતે હાઈવે નજીક આવેલી પોશ સોસાયટીઓ અને ફેક્ટરી ક્વાર્ટર્સ શોધી દિવસ દરમિયાન રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રે ચોરીના સમય સુધી ઝાડીઓમાં 4થી 5 કલાક છુપાઈ રહેતા હતા.
ચોરી કરવા નીકળતી વખતે આરોપીઓ મોઢે રૂમાલ બાંધતા, શરીર પર માત્ર ચડ્ડી પહેરતા અને શરીર પર તેલ લગાવતા હતા, જેથી કોઈ તેમને પકડવાનો પ્રયાસ કરે તો તેઓ લપસીને ભાગી શકે. કોઈ વ્યક્તિ જાગી જાય કે પ્રતિકાર કરે તો લોખંડના ગણેશિયા જેવા હથિયારથી હુમલો કરવાની તૈયારી પણ રાખતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
*200થી વધુ CCTV ફૂટેજની તપાસ બાદ બાતમી મળી*
સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાની સૂચનાથી LCB ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા અને તેમની ટીમે છેલ્લા અઠવાડિયામાં 200થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી હતી. દરમિયાન ASI પ્રધ્યુમનસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ જાડેજા અને સુનીલ પરમારને ગેંગના મુખ્ય સૂત્રધાર માનીયો તેના સાગરીતો સાથે અર્ટીગા કારમાં માંડવીથી નલીયા તરફ ચોરીના ઇરાદે આવતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે તુતરા ફાટક પાસે વોચ ગોઠવી અર્ટીગા કારને અટકાવવામાં આવી હતી. કારની તપાસ દરમિયાન ગુપ્ત ખાનામાંથી રૂ.6 લાખ રોકડા તેમજ ગણેશિયા, કટર, ડીસમિસ સહિતના ચોરીના સાધનો મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કબજે કરાયેલા મુદ્દામાલ અંગે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓ ચોરીનો મુદ્દામાલ મધ્યપ્રદેશના સોની વેપારીઓ સંજય આમલીયારા અને ગૌરાંગ જૈનને વેચતા હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે. આ કડીને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
કચ્છમાં વધુ ચોરીને અંજામ આપે તે પહેલાં જ આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ જતા પોલીસની સતર્કતા અને CCTV આધારિત તપાસને મહત્વની સફળતા મળી છે. હવે પોલીસ આરોપીઓ કચ્છમાં કયા વિસ્તારોને આગામી ટાર્ગેટ બનાવવાના હતા તેમજ ગેંગ સાથે સંકળાયેલા અન્ય સભ્યો અંગે વધુ પૂછપરછ કરી રહી છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
